પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહારાજાએ કહ્યું, 'ચતુર્ભુજ ! તારાં પાનનો સ્વાદ તો માણ્યો, પણ ચણાની મજા માણી નથી. દેશદેશના રાજા-મહારાજા મંગાવીને ખાય અને ઘરઆંગણાના મહારાજા વા ખાય, કાં ? અલ્યા, આ તો ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધીઆને આટો ! આવું તે હોય ?

'માલિક ! અમારો ધંધો જીભનો : અમારા માલ કરતાં અમારી જીભમાં વધુ સ્વાદ. મંગાવનાર રાણીમાં મારી કાણી વહુ, ને હુકમ આપનાર રાજામાં મારાં છોકરાં ! બીજું કોણ ? ચણામાં તે શું ખાવાનું ?' ચતુર્ભુજ વિનયથી બોલ્યો.

મહારાજ હસીને બોલ્યા : 'ચતુર્ભુજ, એમ છટકી જઈશ, એ નહિ ચાલે. તારે દંડમાં ચણા આપવા પડશે.'

'દંડને યોગ્ય કંઈ ગુનો, મહારાજ ?

'ચતુર્ભુજ ! તેં મારા ખભા પર ટેકો લઈને નાટક જોતાં-જોતાં મારો ખભો દુખાડી નાખ્યો છે. એનો દંડ ખરો કે નહિ ?' મહારાજે હસતાં-હસતાં કહ્યું.

ચણાવાળો બોલ્યો : 'સ્વામી ! આપ તો આખી પૃથ્વીનો ભાર ઊંચકો છો ને ખભો દુ:ખતો નથી, તો તણખલા જેવા મારા વજનથી ખભો કેમ દુ:ખે ? મહારાજ, મોભને વળી વળગે, વળીને મોભ ન વળગે.'

મહારાજ ચણાવાળાના આ જવાબથી ખુશ થયા. એમણે રાજસભાને રાતવાળી વાત કહી, ને બધા પેટ પકડીને હસ્યા.

મહારાજે કહ્યું : 'મેં ચણાવાળાનાં પાન ખાધાં છે. રાજા ધારીને મને આપ્યાં હોત તો ઇનામ ન આપત. પણ એક પરદેશી ધારી આતિથ્યભાવનાથી આપ્યાં, માટે એની કદર કરું છું. સો સોનામહોર એને ઇનામમાં આપો ! પણ શરત એ કે તાકીદે એ અંત:પુરમાં ચણા મોકલે.'

આખી સભા સિદ્ધરાજની ઉદારતા જોઈ રાજી રાજી થઈ ગઈ !

'સાચેસાચાં રાજા-રાણી મારા ચણાને આજે ખાશે. ચણા ધન્ય થશે, ચણાને જન્માવનાર ભૂમિ ધન્ય થશે, ને ચણાને કેળવનાર પણ ધન્ય થશે ! જય મહારાજ ગુર્જરેશ્વરની ! દિલ દેજો તો આવું દેજો !'

ચણાવાળો આટલું બોલીને ગુર્જરપતિના ચરણમાં પડી ગયો. એ સો સોનામહોરોથી વિશેષ ધંધો કરીને શ્રીમંત થઈ ગયો. ટૂંક સમયમાં એની ડેલીએ દસ લાખના દસ દીવા બળવા લાગ્યા.

૧૨૪᠅ સિદ્ધરાજ જયસિંહ