પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખંભાતમાં મહામંત્રી ઉદા મહેતા બેઠા છે. રાજદરબારમાં નવા મુસદ્દી છે, પણ ભાત પાડે એવા છે.

મહારાજા શાંતિ અનુભવે છે. બધે શાંતિ છે, અમનચમન છે.

એક દિવસની વાત છે.

મહારાજ સિદ્ધરાજ શિકારે નીકળ્યા છે. શિકાર એટલે શિક્ષણ . દેશના ઉજ્જડ ભાગો, ત્યાંની કીમતી વનરાઈ, ત્યાં વસતા લોકો અને ખેતી–આ રીતે રાજાની નજરમાં રહે.

વળી હમણાં-હમણાં એક ચિત્તો નજીકના પ્રદેશમાં પેધો પડેલો. રાતવરત આવી શિકાર કરી જાય. પાડું, બકરું કે ગાય હાથમાં આવ્યું તે મારીને ઉપાડી જાય.

મહારાજાએ આજે એનો પીછો પકડ્યો હતો. પણ ચિત્તાની જાત લુચ્ચી ! એ મહારાજાને ખૂબ દૂર-દૂર ખેંચી ગયો. અનુચરોમાં ફક્ત એક જણ સાથે રહી શક્યો.

બપોર થયો. ભાણ તપ્યો. પૃથ્વી અંગારા વેરવા લાગી. મહારાજા એક ઝાડ નીચે આરામ લેવા બેઠા.

ઝાડ પર વાંદરાં રમે .

રાજા અને વાંદરાં કોઈની દરકાર ન કરે. વાંદરાં ઉપર બેઠાં-બેઠાં મીઠા ટેટા ખાય; અડધા ખાય ને અડધા નીચે નાખે - ટપાક ટપ !

નીચે રાજા બેઠા હોય કે મહારાજા, એની એમને શી ચિંતા ? એ તો ટપાક લઈને એઠા ટેટા નીચે નાખે. રાજા ઉપર જુએ એટલે વળી ડાહ્યાડમરાં થઈ જાય.

બેચાર વાર આમ થયું એટલે મહારાજા સિદ્ધરાજ ચિડાયા. એમણે ઊભા થઈને ઝાડ પર નજર ફેરવવા માંડી.

વાંદરાં તો દેખાયાં, પણ એમાં એક માટો વાનર દેખાયો : ખાસ્સો માણસના કદનો.

મહારાજાએ સાંભળ્યું હતું કે બીજા દેશોમાં બહુ મોટા વાનરો થાય છે, પણ ગુજરાતમાં તો આવા વાનરો દેખવા પણ મળતા નહોતા.

૧૨૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ