પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 ઉદ્દેશીને મહારાજે કહ્યું : 'આ ખતીબ ખંભાતનો મુસલમાન છે. એના પર જુલમ ગુજર્યો છે.'

'હા હજૂર ! હમણાં ઉદા મહેતાના ખંભાતમાં જૈનોની ફાટ વધી સંભળાય છે.' શિવસિંહે કહ્યું.

‘શિવસિંહ ! કંઇ તપાસ કરી ? તપાસ કર્યા વગર કોઈને માથે આળ ન મુકાય. ધર્મની બાબત નાજુક છે.' રાજાએ જનમત જાણવા પ્રશ્ન કર્યો.

'મહારાજાધિરાજ ! વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે ?'

‘શિવસિંહ ! આ ખતીબને તારા રક્ષણમાં રાખ. હું કહું ત્યારે દરબારમાં હાજર કરજે !'

'જેવો હુકમ, મહારાજ !'

'હવે ચાલો નગર ભણી !'

ખતીબ સાથે બધા પાછા વળ્યા. મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા હતા.

કેટલીક વારે પાટણના કાંગરા દેખાયા.

કુક્કુટધ્વજ આકાશમાં ઊડતો દેખાયો.

નગરમાં પ્રવેશ કરતાં મહારાજાએ કહ્યું :

‘શિવસિંહ ! હું થાક્યો છું. વિશ્રામ લેવા ત્રણ દિવસ અંત:પુરમાં રહીશ. મહામંત્રીને વાત કરજે.'

'જેવી આજ્ઞા.' શિવસિંહે કહ્યું, અને ખતીબને લઈને એ પાસેની ગલીમાં વળી ગયો.

 
ખંભાતનો કુતુબઅલી ᠅ ૧૨૯