પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


મહામંત્રી બોલ્યા : 'સ્વામી ! આપના રાજમાં કોઈ દુ:ખી કે દરિદ્રી નથી. સર્વ કોઈ એક પિતાની પ્રજાની જેમ રહે છે.'

'ખંભાતના કંઈ વર્તમાન ?'

મહારાજે એકાએક ખંભાતના સમાચાર પૂછ્યા તેથી મહામંત્રીને આશ્ચર્ય થયું. મહામંત્રી મહારાજના તરંગી સ્વભાવને જાણતા હતા. એમણે કહ્યું.

'ઉદા મહેતાના શાસનમાં શું કહેવાનું હોય ?'

'એમ વાત ન ઉડાવો. શાંતિ છે ને ?'

'હોય તો હિંસા-અહિંસાનો ઝઘડો હશે. બાકી ખંભાતની વાત બહાર આવે જ ઓછી.' પુરોહિત બોલ્યા. એ દાઢમાંથી બોલતા હતા.

'એમ વાત ન ઉડાવો. મારે મન શૈવ, જૈન, હિંદુ કે મુસ્લિમ-બધા સરખા છે. સિંહાસન પાસે હું ગુનેગાર ઠરુંતો મને પોતાને પણ સજા કરતાં હું પાછો નહિ પડું.' સિદ્ધરાજે ગંભીર અવાજે કહ્યું.

આ અવાજ ખૂબ જ પ્રતાપી હતો. ભલભલાની જીભ ઉપાડી ઊપડતી નહોતી.

'આગનું કંઈ કારણ જાણ્યું ?' સિદ્ધરાજે આગળ ચલાવ્યું.

'ઉદા મહેતા જાણે.' મહામંત્રીએ કહ્યું.

'મંત્રીરાજ ! આ વાત તમે ગમે તેવી રીતે ઉડાવી શકો. તમે મંત્રી છો, પણ હું રાજા છું. આવી વાતમાં આંખ આડા કાન મારાથી ન થાય. હું આંખ આડા કાન કરું તો મારો ધર્મ ચૂક્યો કહેવાઉં. રૌરવ નરકમાં મારો વાસ થાય. શિવસિંહ, ખતીબને હાજર કર !'

થોડીવારમાં ખતીબ હાજર થયો. એણે પોતાની ફરિયાદ રજૂ કરી.

જેમ જેમ એ પોતાની વાત કહેતો ગયો, તેમ તેમ સહુનાં મોં ઊતરતાં જતાં લાગ્યાં.

નિવેદન પૂરું થતાં મહમંત્રીએ કહ્યું :

'આનો અર્થ એ કે આ માટે ખંભાતના મંત્રી જવાબદાર છે.'

'પણ તમે તેમનો જવાબ માગ્યો ?'

અદલ ઇન્સાફ ᠅ ૧૩૧