પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. ઉનાળાનો દિવસ છે. હવા પડી ગઈ છે, ધજા પણ નમી ગઈ છે ! મહારાજ વિચારમાં પડી ગયા છે. બીજી તરફ સાહિત્યનો વિનોદ ચાલુ છે :

ચતુર પુરુષ ને આરસ, ભાર પ્રમાણે ન તોળી વેચાયે;
અધિક અધિક મૂલ પામે, દૂર પરગામે જ્યમ જયમ જાએ.

આરસનો પથ્થર અને ચતુર નર તોળીને મૂલવાતા નથી. એ તો જેમ દૂર જાય, એમ અધિક કિંમત પામે.

સંપત્તિ તણી પ્રાપ્તિ, જો ના કીધી પ્રવાસથી ભાવે;
ધિક્ યુવાઋતુ મૂર્ખની, અફળ ગઈ ફરી નહિ આવે.

યુવાનીમાં માણસે પ્રવાસ ખેડીને ધન પ્રાપ્ત ન કર્યું, તો એની જુવાની નિરર્થક ગઈ સમજવી.

ત્રણ અલાભ જ જામે, જો નર ઉંબર ગ્રહી રહે ગ્રામે
ફાટે વસ્ત્ર, વધે ઋણ, ને નહિ કીર્તિ કદા પામે.

માણસ ઘરમાં જ રહે તો ત્રણ ગેરલાભ થાય : કપડાં ફાટે, દેવું વધે અને અપકીર્તિ થાય.

મહારાજા એકાએક ધજા સામે જોતાં-જોતાં બોલ્યા :

'જોયું ને, ભગવાન રુદ્રની ધજા પણ કેવી નીચી નમી ગઈ !'

મંત્રીશ્વરે કહ્યું : 'મહારાજ ! હવા નથી એટલે.'

'માણસ પણ એક હવા જ છે ને – પ્રેમહવા ! એ હવા રહે ત્યાં સુધી ધજા ફરહરે. હવા ચાલી જાય એટલે ધજા નીચી નમે.'

'આપનું કથન સમજાતું નથી.'

'માણસ મોટો નથી, દૈવ મોટું છે. મારા ગુજરાતના ધ્વજને આજે તો કોઈ નમાવી શકે તેમ નથી, પણ શું સદાકાળ એવું ને એવું પરાક્રમ રહેશે ? દિવસ પછી રાત નહિ આવે ? મને આજે પરાક્રમમાં જે બળ લાગે છે, એનાથી પ્રાર્થનામાં વધુ લાગે છે. આજે હું પ્રાર્થના કરવા માગું છું.' ને મહારાજ સિદ્ધરાજ ઊભા થઈ, હાથ જોડીને બોલવા લાગ્યા :


કવિસાક્ષર શ્રી નવલરામ લક્ષ્મીરામ પંડ્યાના 'વીરમતી' નાટકના એક પ્રકરણની આ પ્રકરણ પર છાયા લીધી છે. તે માટે આભાર.

૧૩૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ