પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'હે રુદ્રાવતાર ! તારું છે અને તને સોંપું છું. મારી આ પ્રિયભૂમિ ગુજરાત હું તને ભળાવું છું. મારી આ પ્રેમ-રંગભરી પ્રજા તને સોંપું છું. રક્ષક તું છે. જગતે મને સિંહનું ઉપનામ આપ્યું છે, પણ હું તો માત્ર સાગરનો એક બુદબુદ છું, રંક તરણા સરખો છું. મનુષ્ય તે કોણ માત્ર ?

'મહારાજ ! આવી દીન વાણી આપને શોભતી નથી. આપનાં પરાક્રમથી તો દિશાઓ ગુંજી રહી છે, દિગ્ગજો ધ્રુજી રહ્યા છે.' મંત્રીશ્વરે કહ્યું.

'મંત્રીશ્વર ! હું સાચું કહું છું. માણસની જિંદગી કેટલી? બહુ-બહુ હોય તો ચાલીસપચાસ વર્ષનું એનું પરાક્રમ. તેમાં તે એ શું કરે ? હે મહાદેવ ! કાળના વારાફેરા છે. સાગરની ભરતી-ઓટ જેવો સંસાર છે. એવો વખત પણ આવશે, જ્યારે શત્રુનાં વાજાં અહીં આવી ગગડશે, અને ત્યારે મારી ભસ્મ પણ દિગંતમાં ઊડતી હશે. એ વખતે આ રાજની રક્ષા તું કરજે ! થાય તો તારાથી થાય !'

'આપના પર તો દેવ સદા તુષ્ટમાન છે. વગર માગ્યું આપનારા છે.' મંત્રીરાજે કહ્યું.

'એ વાત સાચી. પણ આજ સુધી સિદ્ધરાજને વગર માગ્યું બધું મળ્યું. આજે એ બે હાથ પસારીને માગે છે. અત્યાર સુધી જેણે પોતાની પ્રજાની રક્ષા કોઈને-દેવને કે દૈત્યને-નહોતી સોંપી એ આજે સામે પગલે ભગવાન રુદ્રને સોંપે છે. સિદ્ધરાજે સિદ્ધ કરેલી એના નામની આટલી નામના રાખજે !'

'આપ નિરાશામાં છો.'

'નિરાશાની વાત નથી. જે સૂરજ ઊગે છે, તે આથમે છે. ગુજરાતની એ રાજધાનીઓ ક્યાં ગઈ ?' એ ગિરિનગર, એ વલભીપુર, એ ભિન્નમાલ-શ્રીમાલ ! એ શ્રીકૃષ્ણ અને એ શીલાદિત્ય ક્યાં ગયા ? ભૂતકાળનો ઉપયોગ જેટલો ગૌરવ માટે છે, એટલો જ બોધ માટે પણ છે. માણસ પામર છે. કાળ આગળ કોઈનું ચાલતું નથી !'

'આપે આજે જ્ઞાનવાર્તા માંડી લાગે છે. આપનું નામ તો યાવચ્ચંદ્રદિવાકરૌ રહેશે.'

'મંત્રીરાજ, એવી ગાંડી વાત ન કરો ! કેટલાંય નર અને નગર ઉદય પામી શુન્યમાં ભળી ગયાં છે. જેનાં નામ પર ફૂલ મુકાતાં એને આજે કોઈ યાદ પણ કરતું નથી. દૈવનું ચક્ર નિરંતર ફર્યા કરે છે. અરે મંત્રીશ્વર, એક દિવસ એવો

રાજા કે યોગી ? ᠅ ૧૩૭