પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આગ્રહ કર્યો.

“આખો દેશ જાણે છે. સૌરાષ્ટ્રના બાબરીઆવાડનો મૂળ રહેવાસી. એનું નામ બાબરો. પવન જેવો ઝડપી. પંખી જેવો ઊડનારો. જમના જેવો જુલમી. આજ અહીં, તો કાલ વળી સો ગાઉ પર. હે ત્રિપુરારિ ! હે મુરારિ ! હવે તું રાખે તેમ રહેવું છે !' રેવાદાસ બોલ્યા.

'મૂળથી જ અહીંનો ?' જુવાનની ઉત્કંઠા ઘણી હતી.

'ખબર નથી. પણ મહારાજ મૂળરાજે રુદ્રમાળ બંધાવવા માંડ્યો ત્યારે અહીં કમાવા આવ્યો. મહારાજ કરણદેવ વહેલા ગુજરી ગયા. રાણીનુંX [૧] રાજ થયું, ને પછી છોકરાનું ... બાપ ! છોકરે છાશ ન પિવાય ! બાબરાએ બોડી બામણીનું ખેતર દીઠું. આ રાજમાં આવા બધાનું ચઢી વાગ્યું છે, ને રૈયતની તો ઘાણી થઈ છે.' ગામના ઘરડા રજપૂત સુરસંગે કહ્યું.

'રાજ કંઈ બંદોબસ્ત નથી કરતું ?'

'રાજ તો બંદોબસ્ત કરે છે : બાબરો પૂરવમાં હોય તો પાટણના સૈનિકો પશ્ચિમમાં ફરે છે. જમના આંગણે કોણ જાય ? બિચારી પ્રજાનો તો બેવડો મરો છે : સિપાઈઓનેય ધરવવાના ને બાબરાનેય ધરવવાનો ! સિપાઈઓ કહે છે, અમને આપો. એમને દૂધે વાળુ કરવાં છે. બાબરો કહે છે, અમને આપો. એને ઘીનાં તાંસળાં ગટગટાવવાં છે. હવે તો રામ રાખે તેમ રહેવાનું છે !'

‘તમે જાણો છો, અમે કોણ છીએ ?' પેલા સરદારે કહ્યું.

'ના, બાપુ !'

'અમે પાટણના છીએ. મહારાજ જયસિંહ ગાદીએ બેઠા છે. ગામેગામ એમના નામનાં તોરણ બાંધવા નીકળ્યા છીએ.'

'તોરણ બાંધ્યે શું વળે ? મહારાજ જયસિંહને કહો કે કેડે તલવાર બાંધે ! મરદાઈનાં પાણી હોય તો બાબરા સાથે બાખડે ! બાકી ઘરમાં પેસીને મોટી વાતો કરવામાં માલ નહિ.'

'હું મહારાજ જયસિંહ !' જુવાન બોલ્યો : 'તમારી વાત સાચી છે. આજથી તોરણ બાંધવાં બંધ. તલવાર મ્યાન બહાર કરું છું, ને પ્રજારૂપી પરમેશ્વર પાસે


  1. X રાણી એટલે મીનલદેવી.
પાટણનું પાણી હરામ ᠅ ૧૧