પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રતિજ્ઞા કરું છું કે બાબરાને વશ ન કરું, ત્યાં સુધી પાટણનું પાણી હરામ !'

'ખમ્મા પાટણના નાથને !' ઘરડા રજપૂતે જુવાન રાજા સામે જોતાં કહ્યું : 'જાણીએ છીએ કે મા મીનળદેવીને સાત ખોટના એક છો. રાજમાતા અદલ ન્યાયવાળાં છે. પણ એક્લા ન્યાયથી કંઈ ન વળે. રાજમાં તો કડપ જોઈએ !'

ગોબર શેઠે આગળ આવી કહ્યું : 'ઊતરો મહારાજ, ઘોડેથી ! ગુજરાતનો નાથ અમારે આંગણેથી એમ ને એમ ન જાય.'

'હવે ઊતરવાનો વખત નથી. બાબરો કઈ દિશા તરફ ગયો ?' રાજા સિહે પૂછ્યું.

'ઓતરાદી દિશાએ. પણ બાપ, એમ એક ઘડીમાં કંઈ ન વળે !' ઠાકોર સુરસંગે કહ્યું : 'ઉતાવળા સો બાવરા. આ દુશ્મન જેવોતેવો નથી. એનું નામ સાંભળી ભલભલા શૂરાની મૂછો ય ઉંદરની પૂંછડીની જેમ સીધી થઈ જાય છે ! છોકરાં છાનાં રહી જાય છે !'

ગોબર શેઠે ટેકો આપતાં કહ્યું : 'તેલ જુઓ, તેલની ધાર જુઓ . આ તો પુરાણું પાપ છે. એક દહાડામાં ન જાય.'

'ના ! ના ! મારી પ્રતિજ્ઞાને પ્રાણના સાટે પાળીશ. ડાયરાને રામ રામ ! જીવીશ તો વળી મળીશું.'

જુવાન રાજાએ ઘોડાને એડ મારી. ઘોડો ચાર પગે કૂદ્યો ને દોડ્યો. પાછળ બધા ચાલી નીકળ્યા. જુવાન જયસિંહે ઓતરાદી દિશા પકડી.

ઘોડો પવનની પાંખે ઊડતો જાય છે. રાજા તો બોલતોય નથી, ચાલતોય નથી. બાણની કમાનની જેમ એના હોઠ ખેંચાયેલા છે. ભવાં શંકરના ત્રિશુળની જેમ ચઢેલાં છે.

સામંત-સરદારોને આ ખોટા લાગણીવેડા રુચતા નથી, પણ શું કરે ? એ વિચારે છે કે બાબરો લૂંટે એમાં આપણે શું કરી શકીએ ? પાટણમાં આવે તો ખબર પાડીએ. જુવાન રાજા ખોટો ચિડાય છે ! આ ઝાડનાં મૂળ ઊંડાં છે. એક દહાડામાં કંઈ ન થાય.

બપોર સુધી ઘોડાંઓ તગડ-તગડ થયાં.

૧૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ