પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


વિસામાની શોધમાં હતા.

પણ જયસિંહ તો જુદી માટીનો માનવી : કોઈ ધારેલી વાત ન થાય, તો એનું મગજ ચઢી જાય. એ વખતે ગજવેલનો કકડો થઈ જાય. ગમે એટલી ગરમી આપો, પણ વળે એ બીજા ! કકડા થવું એ હા. બધા મનમાં કહેવા લાગ્યા, ખરી રીતે તો વિધવા માતાનો મોઢે ચઢાવેલો એકનો એક દીકરો ખરો ને ! એને કોણ સમજાવવા જાય ?

જયસિંહે આડે રસ્તે ઘોડો હાંક્યો. ત્યાં તો કોઈએ પાછળથી ઘોડાનું પૂંછડું ખેંચ્યું. રમકડાની જેમ ઘોડો આખો ને આખો પાછળ ખેંચાઈ ગયો.

જયસિંહે પાછા ફરીને જોયું.

જોયું તો રાક્ષસ જેવો ભયંકર માણસ ત્યાં ઊભેલો. વાળ સિહોળિયા જેવા ખડા થઈ ગયેલા. આંખો તો જાણે લાલ હિંગળો પૂરેલી, અને હાથમાં નાગી તલવાર !

કાળભૈરવ જોઈ લો. જોઈને જ માણસ ફટી પડે. પણ અહીં તો બીવે એ બીજા.

'કોણ તું ?' રાજા જયસિંહે કહ્યું.

'હું બાબરો ! તું મને યાદ કરતો હતો ને !' બાબરાએ હસતાં-હસતાં કહ્યું. એના મોટા દંતાળી જેવા દાંત દેખાઈ રહ્યા હતા. કાચો ને કાચો બકરો ચાવી જાય એવો એ ભયંકર લાગ્યો.

બકાસુરનો જાણે બીજો અવતાર.

'હા, તને યાદ કરતો હતો હું ! બાબરા ! મારી રાંક પ્રજાના પીડનારા ! આજ કાં તું નહિ, કાં હું નહિ. થઈ જા તૈયાર !' જયસિંહે જરા પણ ડર્યા વગર તલવાર ખેંચીને કહ્યું.

'છોકરા ! તું પાટણનું રાજું છે ને ? હું રાજાને મારતો નથી. વળી તારી ઉંમરની પણ મને દયા આવે છે. તારા રૂપનો મને મોહ થાય છે. જા, તને નહિ મારું. જા, તારું પાટણ નહિ લૂંટું. બસ !'

'બાબરા ! જયસિંહ આજ જીવતરનાં દાન લેવા આવ્યો નથી; મરવા

૧૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ