પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નવ્યા એટલે નાવોને અનુકૂળ : કાંઠા ને બેટવાળી.

સરસ્વતીના કાંઠાનાં ખેતરોમાં ખેડૂકન્યાઓનાં મીઠાં ગીત સંભળાય છે. એ નિર્ભય રીતે હરે ફરે છે. કોઈની બીક એમને નથી !

પાટણ તો બસ પાટણ જ છે ! લાખોપતિની મેડીએ દીવા બળે છે. કરોડપતિની હવેલીએ ધજા ફરકે છે.

લક્ષ્મી પણ એમની. ઉત્સવ પણ એમના. હરીફાઈ પણ એમની. ધર્મ પણ એમનો. કર્તવ્યપાલન પણ એમનું.

અહીં ચારે તરફ આશ્રમો છે. આશ્રમોમાં વિદ્યા ભણાવાય છે.

અંગવિદ્યા એટલે શરીરવિદ્યા અહીં ભણાવાય છે. યુદ્ધવિદ્યા એટલે શસ્ત્રવિદ્યા અહીં શિખવાડાય છે. ધર્મવિદ્યા કહેતાં વેદ, સ્મૃતિ ને આગમનો પણ અભ્યાસ કરાવાય છે.

પંડિતો માટે રાજ તરફથી મઠ હતા. વિદ્યાર્થીઓ માટે છાત્રવૃત્તિ હતી. જે નામ કઢે એને રાજ તરફથી સુવર્ણકંકણ મળતાં.

દેવમંદિરો કલાનાં ધામ હતાં. મંદિરોનાં આંગણામાં નાટકો ભજવાતાં. રાજા-રંક સાથે બેસીને જોતા.

ઉપવનો ને ઉદ્યાનો વિહારનાં ધામ હતાં.

અહીં હાથી રમતા. ઘોડા ખેલતા. પંખી ચણતાં. મોર કળા કરતા.

પાટણ એ પાટણ હતું. દુર્લભ સરોવરને આરે વસ્યું હતું.

વહેલી સવારે સમાચાર આવ્યા હતા, કે રાજા જયસિંહે બાથંબાથમાં બાબરા ભૂતને હરાવ્યો છે; વશ કરીને સાથે લઈને આવે છે !

આ સમાચાર પવનની જેમ પ્રસરી ગયા.

ઘેરઘેરથી લોકો નીકળી પડ્યા. સ્ત્રીઓ હાર ગૂંથવામાં ને આંગણાંમાં રંગોળી પૂરવામાં પડી.

રાજમહેલના દરવાજે ચોઘડિયાં વાગી રહ્યાં.

રાણીમાતા મીનળદેવીના હૈયામાં હરખ માતો નહોતો. દીકરાનાં પરાક્રમ સાંભળી એ ફૂલ્યાં સમાતાં નહોતાં. એમણે હમેશાં ભગવાન સોમનાથને પ્રાર્થના

૨૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ