પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરી હતી કે દીકરા દેજે તો દી વાળે એવા દેજે ! ભગવાને પોતાની અરજ સાંભળી એમ એમને લાગ્યું.

શૂરા સરદારો ને સામંતો ઘોડે ચઢીને પોતાના નવજુવાન રાજાના સામૈયે નીકળ્યા હતા.

પાટણના રાજમાર્ગો પર ને ચોકઠામાં ભારે ભીડ એકઠી થઈ હતી.

રાજાની સવારીને આવવાને હજી થોડી વાર હતી. લોકો ફરતા હરતા હતા, ને ટોળટપ્પાં મારતા હતા. એવામાં એક ભાટ જેવાએ આવીને કવિત લલકારતાં કહ્યું :

'અરે ! મેંદી રંગ લાગ્યો !'

'વાહ, અણહિલવાડના રંગ !'

'વાહ સિદ્ધરાજ જયસંગ !'

લોકો ભાટની આજુબાજુ એકઠા થઈ ગયા ને બોલ્યા :

'અરે બંબભાટ ! શાનો મેંદી રંગ લાગ્યો ?'

બંબભાટ ઊભા રહ્યા, ને બોલ્યા :

'મેંદી એવી છે : વાવો આજ, ઊગે બાર વરસે ને એનો રંગ લાગે સો વર્ષે.'

લોકો કહે : ભાટજી ! તમારી વાત અમને સમજાતી નથી !'

ભાટ કહે, 'સમજાશે, હવે સમજાશે. અરે વીર વનરાજે મેંદી વાવી, મહારાજ મૂલરાજે એને ઉગાડી. પણ રંગ તો આ સિદ્ધરાજ જયસંગ લાવશે. ખરો ભાયડો. ભડનો દીકરો . સિંહણનું સંતાન. વાહ ભાઈ વાહ !'

લોકો કહે : 'અમને માંડીને વાત કહો. બારોટજી ! મેંદી કોણે વાવી, કેમ વાવી, કેમ ઊગી ને કેવો રંગ લાગ્યો !'

ભાટ કહે : 'તો તો તમારે મારી સાથે પાટણની પ્રદક્ષિણા કરવી પડશે. દેવનાં દહેરાં જુવારવાં પડશે ને શૂરાપૂરાંનાં ધામની જાત્રા કરવી પડશે.'

‘તૈયાર છીએ. હજી રાજસવારી આવવાને વાર છે, જોષીજીએ મુહૂર્ત બે ઘડી બાદનું આપ્યું છે !'

પાટણનું પાણી હરામ ᠅ ૨૧