પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
Sidhraj Jaysinh Novel - Pic 56.png

'થાઓ ત્યારે તૈયાર અને ચાલો મારી પાછળ.' બંબભાટે આગેવાની લીધી. એ ચાલ્યા. પાછળ બધું ટોળું ચાલ્યું. બંબભાટે એક ટીંબો બતાવતાં કહ્યું :

'જુઓ ! આ લખ્ખારામ નિગમનો ટીંબો ! કાન્યકુબ્બના વેપારી જખ્ખ નેગમે અહીં પોઠો પાડી. ખૂબ વેપાર કર્યો. એ ઠેકાણે વીર વનરાજે પાટણ વસાવ્યું. આ લખ્ખારામનો ટીંબો તમારું મૂળ પાટણ ! મેંદીનું બીજ વાવનારો હતો વીર વનરાજ. ચાવડા વંશનો. ચાપ એટલે બાણ; બાણ ચલાવવામાં ને ચોરી કરવામાં ચાવડા એક્કા !'

'વાહ બારોટ, વાહ ! જોયો લખ્ખારામનો ટીંબો !'

'આગળ ચાલો, આ પંચાસરા પાર્શ્વનાથનું દહેરું. વનમાં ભટકતા વનરાજને નાનપણમાં ત્રણ જણાંએ ઘડયો : માતા રૂપસુંદરીએ. મામા સુરપાળે ને જૈન સાધુ શીલગુણસૂરિએ. શીલગુણસૂરિની યાદમાં એણે આ પંચાસરા પારસનાથનું દેરાસર બાંધ્યું.'

'વાહ વાહ ! ખરો ગુરુભક્ત !'

'અરે ! મિત્રભક્ત પણ એવો. પાટણ તો બે હતાં : સિદ્ધપુરપાટણ ને સોમનાથપાટણ. આ ત્રીજા પાટણને અણહિલપુરપાટણ નામ આપ્યું. અણહિલ એ વનરાજનો જિગરી દોસ્ત. કહે છે કે જાતનો રબારી હતો. પણ નાત-જાતનું શું મહત્ત્વ ! હરિકો ભજે સો હરિકા હોય, નાત-જાત પૂછે નહિ! આ નગર વસાવ્યું ત્યારે સ્વપ્ન આવ્યું કે એક આંબલી નીચે ત્રણ મૂર્તિઓ છે. ખોદી તો ત્રણ મૂર્તિઓ મળી આવી : એક પરમ માહેશ્વરની, એક પરમ અરિહંત પાર્શ્વનાથની ને એક પરમદેવી અંબિકાની ! ત્યારથી ધર્મની ત્રિવેણી અહીં વહેતી થઈ. હવે ચાલો આગળ ! થોડો લિખ્યો ઝાઝો કરી બાંચજો.'

૨૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ