પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બંબભાટ આગળ વધ્યા ને એક મંદિર પાસે આવીને ઊભા રહ્યાા; બોલ્યા :

'આ મૂલરાજવસહિકા ! મૂળરાજ સોલંકીનું બંધાવેલું મંદિર, વનરાજ પછી ચાવડા વંશના છ રાજા થયા. છેલ્લો રાજા સામંતસિંહ દારૂડિયો. દારૂમાં દ્વારકા ડૂલી તો સામંતસિંહ કોણ ? મૂળરાજ એનો ભાણેજ ! ભાણેજને રોજ દારૂના નશામાં પાટણની ગાદીએ બેસાડે. અને દારૂ ઊતરી જાય એટલે અડબોથ મારીને હેઠે ઉતારી નાખે. આખરે મૂળરાજે મામાને હણી ગાદી લીધી. મૂળરાજ પ્રતાપી ભારે, ઘનવીર ભારે, શૂરવીર ભારે.'

'વાહ ગઢવી, વાહ ! તમે તો પાટણનો ને પાટણના રાજાઓનો ઇતિહાસ કહેવા માંડયો. ખરેખર ! મેંદી રંગ લાગ્યો.'

'હજુ રંગને વાર છે ' બંબભાટ રંગમાં આવી ગયા. એ બોલ્યા : 'મેંદી વાવી વનરાજે, એને ઉગાડી આ મૂલરાજે. મૂળરાજે ખૂબ દેશો જીત્યા. એ સોમનાથદેવનો ભક્ત હતો. સોમનાથનાં યાત્રાળુઓને ગૃહરિપુ નામનો સોરઠનો રાજા હેરાન કરતો હતો. એને કચ્છની મદદ હતી. આ બધાને મૂળરાજે હરાવ્યા. કચ્છ ને સોરઠ કબજે કર્યો. પછી લાટને જીત્યું. છેલ્લે એણે રૂદ્રમાળ બંધાવ્યો. વિદ્યા માટે બંગાળમાંથી ને ક્નોજમાંથી બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા. પાછળની જિંદગીમાં એ તપસ્વી બન્યો. અહીં તો રાજા એ જોગી ને જોગી એ રાજા એવું છે.'

બંબભાટ જોશમાં આવી ગયા હતા. એમણે કહેવા માંડયું : 'મૂળરાજ પછી ચોથી પેઢીએ ભીમદેવ (પહેલા) ગાદીએ આવ્યો. એણે સારો બંદોબસ્ત કર્યો.

'આ વખતે ગજનીનો સુલતાન ચઢી આવ્યો. સોમનાથ પાટણ ભાંગ્યું. બધું રમણ-ભમણ કરી નાખ્યું. મોટી લૂંટ લઈને પાછો ફર્યો.'

'ફરી ભીમદેવ ગાદી પર આવ્યો. આ વખતે આબુના પરમાર રાજાએ ચઢાઈ કરી. ભીમદેવના સેનાપતિ વિમળશાહે એને હરાવ્યો, ગુજરાતનો ખંડિયો કર્યો.

'પરમાર રાજાએ 'ચિત્રકૂટ’ નામનું શિખર ભેટ આપ્યું. વિમળશાહે ત્યાં દેરાં બાંધ્યાં. એ દેલવાડાનાં દેરાં ! જોયાં ન હોય તો જોઈ આવજો. હાલો આગળ !'

૨૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ