પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એવા નરવીરો ત્યાં બેઠા છે !

ઇંદ્રની યાદ આપતો સિદ્ધરાજ સિંહાસન પર બેઠો છે. બે તરફ છત્ર અને બે તરફ ચામર ઢળે છે. એના હાથ લાંબી ભોગળ જેવા છે. વારંવાર નાનકડી મૂછો પર હાથ જાય છે.

મોં પર રાજવંશી તેજ ઝળહળે છે. આંખમાં સિંહનો જુસ્સો છે. અવાજમાં વાદળની ગર્જના છે.

સિદ્ધરાજની બાજુમાં બે મહામંત્રીઓ બેઠા છે. એક તો પિતા કર્ણદેવના વખતના મહામંત્રી મુંજાલ છે. બીજા છે આજના મહાઅમાત્ય સાંતૂ-સંપત્કર. બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા છે. વાણીમાં અમૃત જેવા છે. યુદ્ધમાં કાર્તિકેય જેવા છે.

એક બાજુ મહામંત્રી ઉદયન છે. વીરતા અને બુદ્ધિમત્તામાં એમનો જોટો નથી.

એનાથી આગળ મંત્રીરાજ કેશવ છે. કેસરી સિંહની યાદ અપાવે એવો એનો ચહેરો - મહોરો છે. બીજી તરફ મહામંત્રી દાદાક છે. પાટણનું નવલખું મોતી છે. એમના પછી મંત્રી મહાદેવ છે. બુદ્ધિ અને બળ બંનેના એ દેવ છે. આ મંત્રીઓ કલમ, કડછી ને બરછીમાં અજોડ છે. યુદ્ધમાં મોખરે રહી મરનારા છે. ગુજરાતની વફાદારી માના ધાવણમાં પીને જન્મ્યા છે.

આ મંત્રીઓ સેનાપતિઓનું પણ કામ કરે છે.

સભામાં કવિઓ પણ છે. સરસ્વતી જેમની જીભે છે, એવા પાશુપતાચાર્ય છે. સિદ્ધરાજ જેને પ્રતિપન્નબંધુ કહે છે, એ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલ પણ છે. બંને માને છે કે અમારી સરસ્વતી પર રાજાની કૃપા વરસે છે.

સભામાં ધર્માસન પર દુર્લભરાજ અને ભીમદેવના ગુરુમઠાધીશ જ્ઞાનદેવ બિરાજેલા છે. મહા જ્ઞાનવાન છે. ઉદાર મનવાળા છે. રાજકારણી લોકો ધર્મના નામે ઝઘડા કરે, ત્યારે સમાધાન કરાવનારા છે.

આ પછી આ નગરના કોટ્યાધીશો ને લક્ષાધીશો બેઠા છે. કાને કર્ણફૂલ છે. એક એક કર્ણફ્લ લાખ લાખનું છે. હાથે ઈરાનના હીરાના બાજુબંધ છે. ગળામાં નવસેરા હર છે. એ નીલમના છે. પગમાં મોતીજડી મોજડી છે. રાજભંડારમાં છે એનાથી અધિકું ધન એમની પાસે છે. ઘરને ટોડલે લાખે લાખે

ખેંગારે નાક કાપ્યું ᠅ ૩૯