પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કહેવાતો. એ દરવાજાની રક્ષા અમારું જીવનવ્રત છે. એ દરવાજો આજે તૂટ્યો. અમે બધું હારી બેઠા, જીવવું-મરવું સરખું કરી બેઠા.'

'કોણે દરવાજો તોડ્યો ?' સિદ્ધરાજે સિંહગર્જના કરી.

'જૂનાગઢના રા'ખેંગારે.'

'ઓહ ! નવઘણના નાના દિકરાએ ? અરે, એ તો મારો સમોવડિયો છે. એને હું ભરી પીશ. ભારસિંહ ! દરવાજા તોડ્યે કંઈ ન વળે. જીવતા દરવાજા જેવા આપણે બેઠા છીએ. હવે પાટણના દરવાજા આજથી ખુલ્લા મૂકી દો ! ચાલ્યા આવે, જેને આવવું હોય તે !' મહારાજ સિદ્ધરાજે પડકાર કરતાં કહ્યું.

'પાટણના નાથ ! એટલું હોત તો હું અહીં ન આવત. ત્યાં જ સામી છાતીએ લડી લેત ને લૂણ હલાલ કરતો મરીને સ્વર્ગ સંચરત; પણ એણે તો પાટણના નાથનું નાક કાપ્યું !'

'મારું નાક સલામત છે.' સિદ્ધરાજે ગર્વમાં ને મશ્કરીમાં પોતાના નાકે હાથ મૂકતાં કહ્યું.

ભારસિંહ અકળાતો બોલ્યો : 'એમ નહિ, મહારાજ ! આપને માટે નક્કી કરેલી કન્યાને ખેંગાર ઉપાડી ગયો.'

'ઉપાડી જવા દો. કન્યાનો ક્યાં દુકાળ છે ? પણ બીજી રીતે એ આપણું અપમાન કહેવાય, પાટણનું અપમાન કહેવાય. અથવા ત્રીજી રીતે કહો તો આપણને લડાઈ માટે આમંત્રણ કહેવાય. હવે આપણાથી બેસી ન રહેવાય.'

સિદ્ધરાજે આટલું બોલી મંત્રીઓ તરફ જોતાં કહ્યું :

'અરે, મંત્રીરાજ ! હમણાં ને હમણાં લશ્કરને તૈયાર કરો. એ ભાગેડુ કેટલો ભાગે છે, તે જોઈશું. પણ હું જાણવા માગું છું કે, મારું મંત્રીમંડળ આ પ્રવાહો વિશે કંઈ જાણે છે ખરું? દરેક વસ્તુના અંદર ને બહાર - એમ બે પ્રકાર હોય છે. રાજાએ બંને રીત જાણવી રહી.

'અવશ્ય, પાટણપતિ ! સોરઠના રાજાનો અને પાટણના નાથોનો ઝઘડો જૂનો છે. આપણા વડવા મહારાજ મૂલદેવરાજના પિતા રાજ સોલંકી ત્યાં મરાયેલા, ત્યારની ગાંઠ પડી ગયેલી. પાટણપતિઓ શૈવધર્મી અને એમના દેવ સોમનાથ સોરઠમાં. સોમનાથની યાત્રામાં અવારનવાર આડખીલી ઊભી કર્યા

ખેંગારે નાક કાપ્યું ᠅ ૪૧