પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


'વાહ, જૂનાગઢના નાથ ! જામ પીધો પ્રમાણ ! ઉપર આકાશ ને નીચે પાતાળ ! બધે તારું રાજ ! ઝખ મારે સધરો જેસંગરાજ !'

ભાટોએ વખાણ શરૂ કર્યા. રાજાને પોરસ ચઢાવવા માંડ્યો. પોરસમાં ને પોરસમાં જામ પર જામ ભરાવા લાગ્યા. ખૂબ પિવાયો. બધા ચકચૂર થઈ ગયા.

દેસળ ઊભો થતો બોલ્યો : ‘હાં, લાવો, ગુજરાતી મામી માટે.’

ને એક મોટા પાત્રમાં સુરા લઈને દેસળ નીકળ્યો. ગિરનારનો એ ગિરેબાજ ગરુડ હતો. ભારે લડવૈયો હતો. રંગમાં આવે તો આખી સેનાને ભારે પડે, પણ લહેરી પૂરો. ગીત ગાતો-ગાતો ચાલ્યો. લથડિયાં ખાતો- ખાતો ગુજરાતી રાણીના મહેલે પહોંચ્યો.

ગુજરાતી રાણી સિંગાર કરીને બેઠી હતી. જૂનાગઢની ગિરિકંદરાઓ પાછળ સૂરજ આથમતો હતો.

સ્ત્રીના અજબ ભાગ્યનો એ વિચાર કરી રહી હતી. સોરઠ એને ગમે એવો દેશ હતો. શ્રીકૃષ્ણની આ ભૂમિ હતી. ત્યાં દેસલ ડોલતો-ડોલતો આવ્યો. એ બોલ્યો :

'મામી મારા મામાએ આ પ્રસાદ મોકલ્યો છે. ગળાના સમ દઈને કહેવરાવ્યું છે કે બધો પી જજો. થોડોક પણ બાકી મૂકો તો ખેંગારના સમ !'

મામીએ દારૂ લીધો ને પીવા માંડ્યો ! અરે, ઝેર હોત તોય મીઠું લાગત. એનો મોક્લનાર કોણ હતો ?

દેસલ તો દારૂના ઘેનમાં ઉંદરડાની જેમ ડોલી રહ્યો. ડોલતો ડોલતો મામી પર જઈને પડે. મામી ધક્કો મારીને આઘો કાઢે. ધીરે-ધીરે એ ભાન ગુમાવી બેઠો. મામીએ પાથરેલા છત્તર પલંગમાં પડ્યો ને પડ્યો એવો જ ઊંઘી ગયો.

રાણીએ પણ પૂરેપૂરો પીધો. પતિના સમ બરાબર રાખ્યા ! અડધો કટોરોય કેમ છંડાય !

થોડી વારમાં એ પણ બેભાન બની ગઈ, ને પલંગ પર ઢળી પડી.

રાત ઝડપથી વીતી ગઈ.

૪૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ