પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આજે જ મારી માને સંદેશો મોક્લાવ્યો હતો કે જાણી લેજે કે તારી દીકરી કૂવે પડી !'

'બહેન ! મૂંઝાશો નહિ. અમે દરબારી માણસો છીએ. હું સિદ્ધરાજનો મિત્ર જીવરાજ છું. સિદ્ધરાજને વાત કરીશ. એ જરૂર બંદોબસ્ત કરશે. ત્યાં સુધી એને કોસશો નહિ, બહેનો ! પ્રજાની બદદુઆ રાજાને જીવતો ખાઈ જાય !'

'ના રે, ભાઈ ! રાજા તો બહુ સારો છે. અને અમારી દુઆ જ છે. કુદરત આગળ બિચારા રાજાનો શું ચારો છે ? રાજા તો મેઘરાજા, ઔર રાજા કાયકા ?'

ને પનિહારીઓ, મોડું થયું હોવાથી, માથે બેડું મૂકી ઝટ-ઝટ રવાના થઈ ગઈ.

ઘોડેસવારો રાજમહેલ તરફ વળ્યા.

મોટાં-મોટાં બજારો, મોટી-મોટી હવેલીઓ મોટાં-મોટાં અનાજનાં પીઠાં જોતા આગળ ચાલ્યા.

પાટણનાં ચોરાશી ચૌટાંમાં ધમાલ મચી હતી. સોનીની હાટમાં સોનાના લાટા ઝગમગતા હતા. પટણી સુંદરીઓ નવનવા ઘાટની માથાકૂટમાં પડી હતી.

સિદ્ધરાજના મિત્ર જીવરાજે કહ્યું :

'અરે, સોનાં કંઈ ખવાય છે? ખેતરમાં સોનું નાખીએ તો એ કંઈ ઊગે ? પાણી વિના બધું નકામું !'

અસવારો આગળ વધ્યા. નાણાવટમાં નાણાંનો ખણખણાટ ને ઝવેરીવાડમાં હીરા, પન્ના, મોતી, માણેક, પ્રવાલનાં તેજ અનેરાં હતાં.

જીવરાજ બોલ્યો : 'હીરાનાં પાણી મપાય, પણ કંઈ એનાં પાણી તરસ્યા જીવને થોડાં જિવાડે !'

સુગંધિયા શેરીમાં અત્તરની ખુશબો મહેકતી હતી. ફોફલિયાના હાટે સોપારી, લવિંગ ને મલબારી શ્રીફળોના ઢગલા પડ્યા હતા.

ઘિયાને હાટે ઘી ને તેલીને હાટે તેલ વેચાતું હતું.

જીવરાજે નિશ્વાસ નાખ્યો :

'ઘી-તેલ ગમે તેવાં તો કંઈ પાણીની તોલે આવે ?'

પાણી એ જ પરમેશ્વર ᠅ ૫૫