પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'તારી વેદના સાચી છે, પણ પાટણનો ખજાનો જળ-યોજનાને પહોંચે તેમ નથી. વળી અહીં ઝાડ ઓછાં છે. ઝાડ ઓછાં હોય ત્યાં વરસાદ ઓછો. વરસાદ ઓછો ત્યાં ઝાડ ઓછાં ! શું થાય, બેટા !'

'મા ! શું થાય, એમ કેમ બોલાય ? આપણાથી હાથ હેઠા નાખી ન દેવાય. તો તો આપણે રાજ છોડી દેવું પડે, અને કોઈ મજબૂત હાથમાં સોંપી દેવું પડે. ભગવાનના ચરણમાં દેહ ધરીએ છીએ, એમ આજ પાણી મારો પરમેશ્વર છે. એ પ્રભુ પાછળ ઘેલો થઈ જઈશ. હું પાણી પાછળ રાજનો ખજાનો પાણીની જેમ વહાવી દઈશ. પાણીનો પ્રશ્ન લડાઈના પ્રશ્નની જેમ હાથ ધરીશ. હું ભગવાન સોમનાથને પ્રાર્થીશ : જોજો પ્રભુ, સિદ્ધરાજનું પાણી ન જાય !' આ માટે જરૂર પડશે તો તન, મન, ધન અર્પણ કરીશ.'

સિદ્ધરાજ ભાવાવેશમાં આવી ગયો. કેસરી વનમાં આંટા મારે એમ એ ખંડમાં આંટા મારવા લાગ્યો.

'બેટા ! જમી લે.'

'ના મા, જમવાનું તો પછી થશે જ. પહેલાં મહામંત્રીને બોલાવો. અબઘડી રાજદરબાર ભરે. આ નાની નવેલીઓનાં દુ:ખડાં મારાથી જોવાતાં નથી. પહેલું પાણી, પછી ભોજન !'

ને તરત મંત્રીરાજને સાદ થયો. રાજાકાજમાં સજ્જ મંત્રીરાજ થોડી વારમાં આવી પહોંચ્યા.

તુરતાતુરત દરબાર ભરાયો. પાણીનો પ્રશ્ન તાકીદના પ્રશ્ન તરીકે હાથ ધરવામાં આવ્યો. કેટલાક જૂના સામંતોને આ બધું જૂની આંખે નવા તમાશા જેવું લાગ્યું. લડાઈના પ્રસંગ સિવાય આ રીતે એકાએક દરબાર ન ભરાતો.

રાજાએ કહ્યું : 'મંત્રીરાજ ! પાટણમાં પાણીનું દુ:ખ છે. એ માટે કંઈ વિચાર કર્યો ?'

મંત્રીરાજે જુવાન રાજાને નિવેદન કર્યું : 'પાણીનો પ્રશ્ન વિચારણા હેઠળ છે.'

'કઈ રીતે ?'

'સરસ્વતીનાં વહેણ દુર્લભ સરોવરમાં વાળવાં.'

પાણી એ જ પરમેશ્વર ᠅ ૫૭