પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'તો વિલંબ કેમ થાય છે ?'

'એમ કરતાં પાટણનો ખજાનો પૂરો થઈ જાય તેમ છે ! કાલે નવી લડાઈ જાગે તો ...?'

'કાલની ચિંતા આજે શું? પાણીનું દુ:ખ મારાથી જોવાતું નથી. સરોવરનું કામ તાબડતોબ હાથ ધરો. એમાં લેશ પણ વિલંબ ન ઘટે. આજે પાણી ને પરમેશ્વર મારે મન એકસ્વરૂપ છે. જોઈશે તો રાજ વાણિયાને ત્યાં ગીરો મૂકશું.'

'મહારાજ ! પાટણના સગાળશા શેઠ કહે છે કે એમના બાપના નામ પર સરોવરનું નામ રાખો તો ત્રણ લાખ રૂપિયા આપે.'

‘નથી જરૂર સગાળશાની ! પાટણનો ભંડાર ભલે તળિયાઝાટક થતો. આ સરોવર સિદ્ધ-સરોવર થશે. રાજભંડારના ધનથી થશે. વારુ, આ કામ કરી શકે તેવો છે કોઈ નિષ્ણાત ?'

‘હા. મહાભારતમાં જેવો મય દાનવ હતો, એવો માયો હરિજન છે. એની પાસે એક લશ્કર જેટલાં માણસ, ગધેડાં ને સરસામાન છે. એ કહે છે, કામ તો કરી આપું, પણ મારાં નાતીલાં પાણીએ ટળવળે ને બીજાં પાણી પીએ-એ ન ચાલે. અમને માણસ જ કોણ ગણે છે ?'

'બોલાવો માયાને. એની વાત કબૂલ છે. કહો તો તામ્રપત્ર પર લખી આપું, મારું માથું માગે તો માથું આપું, પણ કામના શ્રીગણેશ કરો !'

તરત માયા હરિજનને બોલાવવામાં આવ્યો.

માયાએ રાજીખુશીથી કામ કબૂલી લીધું.

સિદ્ધરાજે સભાને સંબોધીને કહ્યું : 'અને યાદ રાખો કે રાજા કંઈ નથી, રાજબળ કંઈ નથી, સાચું બળ દેવબળ છે. દરેક ધર્મવાળા પોતાના ઇષ્ટદેવને સમરે. હું પણ રોજ પિનાકપાણિને પ્રાર્થના કરીશ. હજાર મંદિરોમાંથી પ્રાર્થનાના સૂર ઊઠશે, તો ભલભલું આભ ભેદાઈ જશે. મારા ભોળા શંભુને જટાની એક નહિ, પણ દશ-દશ સેર નમાવીને ગંગામાતાને પાટણને પાદર વહાવવાં પડશે.'

બધેથી સિદ્ધરાજના સૂચનને વધાવી લેવામાં આવ્યું.

એ દિવસે સરોવરના કામના શ્રીગણેશ થયા.

રાજમાતા મીનળદેવીએ પુત્રને શાબાશી આપતાં કહ્યું :

૫૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ