પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને આ સહુથી સવાઈ ઇચ્છા તો સોમનાથ મહાદેવની જાત્રા કરવાની હતી. સોમનાથ દેવ તો એના બાળપણના સાથી દેવ !

લાકડીનો ઘોડો કરીને રમતી ત્યારે એ ઘોડા પર બેસીને સોમનાથ જતી.

દીકરા સિદ્ધરાજે કહ્યું : 'માતા ! હવે સોરઠના પ્રવાસે સંચરો. ભગવાન સોમનાથને જુહારો.'

માતા મીનલદેવી કહે : 'દીકરા ! આ જાતરાની વાત તો જૂની છે. આજે કહેવામાં વાંધો નથી. બહુ નાની હતી, સોનાના ઘોડે ને રૂપાના ચાબુકે રમતી હતી, એ વખતે યાત્રાળુના સંઘ નીકળતા - અમારા કર્ણાટક દેશથી ઠેઠ દેવપાટણ સુધીના.

એ વખતે યાત્રાળુઓને પૂછતી : 'ક્યાં આવ્યું દેવપાટણ ? કેવા છે એ ભગવાન ? મારે એમનાં દર્શન કરવાં છે.'

યાત્રાળુ કહેતા : 'દૂર-દૂર આવ્યું દેવપાટણ ! અહીંથી દૂર સરવો સોરઠ દેશ છે. એના જંગલમાં સાવજ વસે છે. સાવજ જેવા ત્યાંના લોક છે. સુંદર સાગરકાંઠો છે. સરસવતી નદીનો પવિત્ર ત્રિવેણીસંગમ ત્યાં છે. ત્યાં પ્રભાસ નામનું તીર્થ છે. મહર્ષિ અગમ્ય જ્યાં દરિયો પી ગયા, એ સ્થળ છે. આખી દેવનગરી વસેલી છે. ભોળા શંભુએ સોમ નામના દેવનો ત્યાં ઉદ્ધાર કર્યો. એટલે 'સોમનાથ મહાદેવ' કહેવાયા. જ્યોતિર્લિંગોમાં એ સૌથી પહેલું લિંગ છે. જ્યાં સોમ જેવા દેવનો ઉદ્ધાર થયો, ત્યાં માણસનો ઉદ્ધાર થતાં વાર કેવી? ભગવાન તો ભાવના ભૂખ્યા છે.'

'દીકરા ! ત્યારથી સોમનાથ મહાદેવનાં દર્શનની મનમાં ભાવના. એ પછી દાદા શુભકેશી વનવગડે દાહમાં સપડાઈને બળી ગયા. એમના નિમિત્તે હું મારા પિતા જયકેશી ને માતા સાથે ગુજરાત આવી. સોમનાથને જુહાર્યા. સિદ્ધપુરપાટણ ગયાં. ત્યાં સરસ્વતીમાં નાહ્યાં ને પિતૃશ્રાદ્ધ કર્યું !'

આ વખતથી ગુજરાત મને ગમી ગયું ને ભગવાન સોમનાથ અંતરમાં વસી ગયા. હું તો સ્વપ્નાં દેખતી હતી : ગુજરાતે રમવાનાં !'

એક દહાડો તારા પિતાનું માગું આવ્યું. મને તો ગુજરાતની રઢ હતી : ગુજરાતના દેવની, ગુજરાતનાં માનવીઓની, ગુજરાતની સેંજળ ભૂમિની.

જય સોમનાથ ᠅ ૬૧