પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


'ના માતાજી ! દાણિયા દાણ માગે છે. અમારી પાસે ફૂટી કોડી પણ નથી. માજી ! દીઠા દેવને પહોંચી જાત્રા. અમે પાછા જઈએ છીએ !' કાપડી લોકો એ કહ્યું.

એમની આંખમાં આંસુ હતાં.

'અરે ! આવા તો કેટલાય ગરીબ યાત્રાળુઓ પાછા ફરતા હશે.'

રાજમાતા દાણિયા પાસે ગયાં; બધી હકીકત પૂછી.

દાણિયો કહે : 'માતાજી ! રાજે ઇજારો આપેલો છે. પૈસા હોય એ જાત્રા કરી શકે, નહિ તો ઘર બેઠા ભગવાનને ભજે.'

રાજમાતાએ જોયું કે દાણિયો ગરીબ માણસોને ધક્કા મારી-મારીને પાછા કાઢતો હતો. એને જાત્રા સાથે સંબંધ નહોતો, પૈસા સાથે સંબંધ હતો. કોઈને ગાળો દેતો, કોઈને ભાંડતો, કોઈને ધક્કા મારતો. કહેતો કે અમે તમને છોડી દઈએ, પણ કંઈ રાજ અમને છોડશે ? જે કહેવું હોય તે રાજને કહો. બાકી દાણ આપશો તો જાત્રા થશે. આમ થાણામાં કાળો કકળાટ જામેલો રહેતો.

રાજમાતા બધે હર્યા - ફર્યા, જોયું - જાણ્યું. એ રાતે મીનલદેવીને ઊંઘ ન આવી.

આખી રાત પડખાં ફેરવતાં જાગ્યાં.

છેલ્લા પહોરે આંખ મળી ગઈ. એમાં એક સ્વપ્ન આવ્યું :

જાણે પોતે એક બ્રાહ્મણની સ્ત્રી છે.

નામ સુજયા છે !

સુજયા ગરીબ છે, પણ ધર્મના ભાવવાળી છે. બાર માસનાં બધાં તપ કરે છે, બધાં વ્રત કરે છે. વ્રતના છેડે બાર વસ્તુનાં દાન દે છે.

સુજયા સોમનાથની પૂજારણ. એક વાર યાત્રા કરવા નીકળી. મોંમાં ઉપવાસ હતો. નિશ્ચય હતો કે અધમોદ્ધારક ભગવાન સોમનાથનાં દર્શન કરી, ત્રિવેણી નાહી, સાધુ-અભ્યાગતોને યથાશક્તિ જમાડી ઉપવાસનું પારણું કરીશ.

ત્યાં માર્ગમાં દાણિયો આવ્યો.

એણે સુજયાને રોકી, કહ્યું : 'દાણ લાવો.'

જય સોમનાથ ᠅ ૬૩