પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તરત સવારી પાછી ફરી.

રાજમાતાએ રાજનો કરભાર કર્યો હતો. એક તરફથી આમ મીણની પૂતળી જેવાં પોચાં હતાં ને બીજી તરફ તેજાબ જેવાં તીખાં હતાં.

બધા લોકોને લાગ્યું કે રાજમાતાનું ભેજું ઠેકાણે છે કે નથી ? મોટા ઉપાડે જાત્રા કરવા નીકળ્યાં ને આ શું સૂઝ્યું ? નક્કી મહેલ યાદ આવ્યો હશે. નક્કી કંઈક જૂનું દાટ્યું હશે, એ યાદ આવ્યું હશે. આવા લોકો જાત્રા કરવા શું કામ નીકળતાં હશે !

પણ વાઘને કોણ કહેવા જાય કે ભાઈ ! તારું મોં ગંધાય છે ! મોટાની વાતને કોણ કાપે ?

હાથી તૈયાર થયા. ઘોડા તૈયાર થયા.

પંડ્યા-પુરોહિત પણ મોંનો તોબરો ચઢાવી તૈયાર થયા. એમની દાનદક્ષિણા ડૂબી ગઈ હતી.

લાવલશ્કર આગળ કૂચ કરતું હતું, તે હવે પાછળ કૂચ કરવા તૈયાર થઈ ગયું. અરે, પાટણ માથે અજાણ્યો ભય આવ્યો કે શું ?

યાત્રા યાત્રાને ઠેકાણે રહી અને સવારી આખી પાછી ફરી ગઈ.

રસ્તો ઝડપથી કપાવા લાગ્યો, ત્યાં તો થોડેક દૂર જતાં ધૂળની ડમરી ચઢતી દેખાઈ.

થોડી વારમાં એક ઘોડેસવાર રાજમાતાની પાસે આવીને ઊભો રહ્યો. નવજુવાન ઘોડેસવાર ! ઘોડેથી છલાંગ મારીને નીચે ઊતર્યો.

માતાના ચરણમાં નમીને બોલ્યો :

'માતા ! કંઈ હેરાનગતિ ? કંઈ ત્રાસ ? કંઈ અટકાયત ? યાત્રા પાછી કાં ?'

માતા કહે :'મારાથી યાત્રા નહિ થાય, વત્સ !'

સિદ્ધરાજ કહે : 'કાં માતાજી ! માર્ગમાં ભય નથી, ખજાનામાં તૂટો નથી, દેવ ત્યાંના ત્યાં છે, પછી શા માટે યાત્રા નહીં થાય ?'

માતા કહે : 'જે દેવને રંક લોકો જુહારી ન શકે, એ યાત્રા મને ન ખપે. હું તો રંક અને રાય બંનેની માતા છું.'

૬૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ