પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ બહાર નીકળ્યો - ઘાયલ વાઘ બોડમાંથી નીકળે તેમ.

કપડાં પહેર્યાં ન પહેર્યા ને માતા પાસે પહોંચ્યો. મા પાસે જઈને અકળાતો બોલ્યો :

'મા ! મા ! સિદ્ધરાજ જીવ્યો ન જીવ્યો બધું સરખું થઈ ગયું !'

માતા દીકરાને જાણતી હતી, એના સ્વભાવને જાણતી હતી. એ એકદમ નજીક આવી ને બોલી : 'શું થયું મારા સિંહને ?' બોલનારા બોલી રહ્યા. મારા જયસિંહનું તો જીવ્યું પ્રમાણ છે ! ભૂત જેવા ભેંકાર બાબરા સિદ્ધને હરાવ્યો ! સાવજની બોડ જેવું સોરઠ જીત્યું, ને બોતેર લાખનો કર માફ કર્યો ! બીજો જયસિંહ છે ક્યાં ? આજ ભગવાન સોમનાથદેવ મારા દીકરાની ભેરમાં ખડા છે !'

'મા ! ખોટી વાત કરીને મને ચઢાવ મા ! પુરોહિતોને કહી દે, મારાં વખાણ ન કરે ! મને એ કડવાં ઝેર જેવા લાગે છે.' સિદ્ધરાજ નાનો છોકરો ચીડે બળે તેમ બોલ્યો.

'પણ કારણ શું છે.' મીનલદેવીએ પૂછ્યું.

‘મા ! માળવાનો રાજા મારું નાક કાપી ગયો ' સિદ્ધરાજે કહ્યું.

'એક ખેંગાર કાપવા આવ્યો હતો, પણ બિચારો જીવથી ગયો ! વળી બીજાને સિંહની બોડમાં માથું ઘાલવાનું મન ક્યાંથી થયું ? બેટા ! મરદોનાં નાક તો કદી કપાતાં નથી.'

સિદ્ધરાજ વધુ કોપે ભરાણો. એ બોલ્યો : 'મા ! તું માતા છે. દીકરાના દોષ તું જોઈ ન શકે. એક આગમાં બીજી આગ ભળી છે.'

મીનલદેવી કહે : 'મને ચોખ્ખું કહે. દીકરા ! હું પુત્રનો દેહ જોઈ રાજી થનારી માતા નથી. દીકરાના કર્તવ્યદેહને પૂજનારી મા છું. દીકરાને શસ્ત્ર સજાવી સમરાંગણે મોક્લનારી મા છું. બેટા ! મેં ગોદમાં કૂકડા પાડ્યા નથી, સિંહ ઉછેર્યો છે.'

સિદ્ધરાજ ક્હે : 'મા ! માલવાનો રાજા મારુંનાક કાપી ગયો, એ તો જાણે પારકો હતો; પણ આપણા મહાઅમાત્ય પાસે રહીને કપાવરાવ્યું એનું મને દુ:ખ છે.'

૭૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ