પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઘરમાંથી ધન લઈને તેને પાછો વાળ્યો. કેવું અપમાન ! આ તો હું માલવાની ખંડણી ભરનારો રાજા થયો.'

'તે બેટા, માલવાને ભરી પી ! અવંતીનાથ બની જા ! તારા છોગામાં એક છોગું વધુ ઘાલ. બહાનું સરસ છે. ખરાબમાંથી સારું તારવે એ જ ખરો મુસદ્દી. જે વખતને અને વાને પલટી શકે એ જ સાચો ધીર.' મીનલદેવીએ પુત્રને પાનો ચઢાવ્યો.

'મા ! તાબડતોબ પાટણ પહોંચીએ. મારે જલદી નિર્ણય લેવો છે.'

'હું જાણું છું. ત્યાં સુધી તને ખાવું-પીવું નહિ ભાવે.' મીનલદેવીએ કહ્યું, અને હુકમ કર્યો : 'ચાલો, ઝટ સવારી ઉપાડો. વહેલું આવે પાટણ.'

ગણતરીના વખતમાં તંબુઓ, રાવટીઓ સમેટાઈ ગયાં, અને બધાં પાટણ તરફ વળી ગયાં.

ન રાત જોવાની, ન દિવસ. ન ટાઢ જોવાની, ન તડકો !

કૂચ ખૂબ જ ઝડપી હતી.

રાજા સિદ્ધરાજની આંખોમાં અંગારા ભર્યા હતા. કોઈ એની આંખ સાથે આંખ માંડી ન શક્તા. એના મોંમાં જાણે જ્વાલામુખી બેઠો હતો. એને બોલાવવો પણ મુશ્કેલ હતો.

રાજા વારંવાર એક જ વાત કરતો :

'મારું અપમાન ! મારી ગુજરાતનું અપમાન !'

'એને સજા ન કરું તો જીવ્યું ન જીવ્યું સમાન !'

થોડા વખતમાં બધાં દડમજલ કૂચ કરતાં પાટણમાં આવી પહોંચ્યાં. મહાઅમાત્ય તેમના સ્વાગત સામે ગયા, પણ રાજાનો રોષ ભયંકર હતો. એ ન હસીને બોલ્યો, ન કંઈ વાત કરી.

એ જ બપોરે દરબાર ભરાયો.

રાવ-રાણાઓને નોતરાં ગયાં હતાં. દરબાર હકડેઠઠ ભરાયો હતો.

મહાઅમાત્યે પોતાનું નિવેદન રજૂ કરતાં કહ્યું : “નરવર્મા આવ્યો ત્યારે પાટણના કુશળ યોદ્ધાઓ પ્રવાસમાં હતા. રાજમાતા કે રાજા પણ પાટનગરમાં નહોતાં. યુદ્ધ આપવાનો નિર્ણય કઈ રીતે લેવો એ પ્રશ્ન હતો. અલબત્ત,

૭૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ