પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક દહાડો પાટણ અને એની આસપાસની અઢારે વર્ણ એકઠી થઈ ને સાંતૂ મહેતા પાસે આવી. તેઓએ કહ્યું :

'અમે રોજ એક પ્રહર મજૂરીએ આવીશું. રાજનું કામ એ પ્રજાનું કામ !'

સાંતૂ મહેતા લાચાર બની ગયા હતા. એમને માથે બેવડી ઉપાધિ હતી. માળવાનો ઘેરો લંબાયો હતો. લશ્કરનાં ખાતાં તો ભારે. એનું ગમે તેમ કરીને પણ પૂરું કરવું પડે. એમાં ન ચાલે. તેઓએ પ્રજાની સેવા સહર્ષ સ્વીકારી લીધી.

કામ ધમધોકાર ચાલવા લાગ્યું, પણ કામનો છેડો હજીયે ન દેખાયો તે ન જ દેખાયો. માર્ગમા, પાળા ને પુલે ખૂબ સમય લીધો. હવે તો જેઠ મહિનો બેઠો હતો, ને દિવસ ગરમાવા લાગ્યો હતો.

જ્યોતિષીઓએ વર્તારો કાઢ્યો કે 'આ વખતે વરસાદ શ્રીકાર છે. સરોવર તૈયાર હશે તો છલકાશે. પાણીનું દુ:ખ પાટણમાંથી સદાનું જશે!'

રાજમાતાને આ વર્તારાએ વધુ ચિંતાતુર બનાવ્યાં. એક તો પોતાની વૃદ્ધ ઉંમર, એમાં પુત્ર પરદેશ. ત્યાંના પણ સારા સમાચાર નહિ; અને આ તરફ સરોવરની આ હાલત !

ભલી રાજમાતાનું હૈયું ગાઢ નિરાશામાં પોચું પડી ગયું, ને એક દહાડો બેઠાં-બેઠાં, ભગવાન સોમનાથની માળા ફેરવતાં ફેરવતાં, એ પંચત્વ પામી ગયાં !

આવી રાજમાતા કોઈએ જોઈ નહોતી, અને હવે જોવાના નહોતા. મૂળે દક્ષિણનાં રાજકુંવરી, પણ મનમાં ગુજરાત વસી ગયેલું. દક્ષિણ-પશ્ચિમના ભેદ મનમાં કદી નહિ. સોમનાથ દેવનાં પરમ ઉપાસિકા !

એ દહાડે પાટણમાં એકે દીવો ન પ્રગટ્યો; એકે ચૂલો પણ ન સળગ્યો. આખું શહેર નાહવા ઊતર્યું ! સહુને પોતાના કુટુંબનું વડીલજન ગયા જેટલો શોક થયો.

સાંતૂ મંત્રીએ એક ઘોડેસવાર સાથે રાજમાતાના મૃત્યુનો સંદેશો માળવા તરફ મોકલ્યો.

ભલાં રાજમાતાના મૃત્યુનો ઘા આ વૃદ્ધ મંત્રીને હૈયે વધુ લાગ્યો. એ પણ પોતાનો રાજા પાછો આવે, એટલે આ રાજકાજની ધૂંસરી છોડી દેવાનો નિશ્ચય કરી બેઠા !

જનતાની જય ᠅ ૮૧