પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એને અંગવિચ્છેદની કોઈ સજા કરવાને બદલે ત્રણ લાખ રૂપિયાનો દંડ કર્યો.

શ્રેષ્ઠી સગાળશાએ તરત દંડ લાવીને હાજર કર્યો.

ત્યાં તો નગરકન્યા તરફથી કહેણ આવ્યું :

'એ પાપના પડછાયાથી અપવિત્ર થયેલું કર્ણફૂલ મારે ન ખપે. રાજ એનું માલિક છે.'

સાંતૂ મહેતાએ આનાકાની કરવા માંડી; પણ કન્યાએ ના જ કહેવરાવી. સાથે કહ્યું.

'આ કર્ણફૂલ પહેરું, તો મારો ભાવી ભરથાર મને સ્વીકારવા તૈયાર નથી ! આ કર્ણફૂલ રાજ સ્વીકારે એમાં મારી સલામતી છે.'

સાંતૂ મહેતા અને બધા મંત્રીઓ મનમાં તો ધન ઇચ્છતા હતા, અને આ તો વગર માગ્યું મળતું હતું, એટલે વાત ત્યાં અટકી ગઈ. હવે પાટણના ખજાનામાં કંઈક જીવ આવ્યો. રાજભંડારી રૂપિયા લઈ મજૂરોને આપવા ગયો, ત્યારે માયા હરિજને કહ્યું :

'અમારા મજૂરો આમાંનું કંઈ નહિ સ્વીકારે. અત્યારે છાશ- રોટલાનું કરો છો, એ ઘણું છે. બને તો ગોળનો ગાંગડો સાથે આપો. કામ કરનારને ગોળ બળ આપે છે. બાકી બીજું મહારાજ સિદ્ધરાજ આવીને આપશે.'

બધાનાં મન ઉચ્ચ કર્તવ્યભાવના પર ઝૂલી રહ્યાં હતાં. સાંતૂ મહેતા આ મહાન પ્રજાને મનોમન વંદી રહ્યા, ને બોલ્યા :

'જનતાની જય !'

એ જયકારના પડઘા આકાશે જઈને ગાજ્યા.

શ્રાવણના આભમાં વાદળ ઘેરાણાં.

ગર્જનાના ઢોલ પિટાયા.

મુશળધારે મેઘ વરસ્યા.

સરસ્વતીમાં પાણી આવ્યાં. નહેરો વાટે જાણે પાટણને પાદર દરિયો આવ્યો. સરોવર ચારે કાંઠે છલકાઈ ગયું !

પાણી હિલોળા લેવા લાગ્યાં !

૮૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ