લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨:સ્નેહસૃષ્ટિ
 



બીજી આપું ?’ મધુકરે કહ્યું.

મધુકર છટાભર્યો યુવક હતો; એનાં વસ્ત્રો પણ છટાભર્યાં હતાં; એની વાતચીત પણ છટાભરી જ હોય !

પરંતુ શ્રીલતા પણ મધુકર સરખી જ છટાભરેલી યુવતી હતી. એણે જવાબ આપ્યો :

‘એક જ વીંટી બસ છે. બીજી ન જોઈએ. હું સંભારું છું એ વીંટી નહિ, પરંતુ વીંટીના હક્ક.’

‘લગ્નની વાત કરે છે તું ?.... હું કોઈ યોગ્ય સ્થળે ગોઠવાઈ જઉં અને… અને તું પણ તારી છેલ્લી પરીક્ષા આપી દે… પછી ગમે તે ક્ષણે લગ્ન !’

‘હવે ક્ષણો યુગ બનતી જાય છે, મધુકર !’

‘માટે જ હું તને વધારે મળતો નથી. હમણાં !’ કહી મધુકરે પોતાનો હાથ સહજ ખેંચ્યો. હાથ સાથે જ આખી શ્રીલતા ખેંચાઈ ને મધુકરની વધારે નજીક આવી. મધુકરે શ્રીલતાનો દેહસ્પર્શ થતાં જ બેદરકારીપૂર્વક ખિસ્સામાંથી સિગરેટની ડબી કાઢી અને સિગરેટ – શિક્ષણના પ્રાધ્યાપકને શોભે એવી છટાથી તેણે સળગાવી મુખમાં મૂકી. જેના પ્રત્યે માનવીને આદર હોય અને પ્રેમ હોય એની નાનામાં નાની વિગતોમાં પણ પ્રેમીને કલામયતા દેખાઈ આવે છે. સફાઈથી સિગરેટની ધૂણી વેરતો મધુકર શ્રીલતાને કામદેવનો અવતાર પણ લાગ્યો હોય ! મધુકરના દેહસ્પર્શનો અનુભવ લઈ રહેલી શ્રીલતાએ જોયું કે મધુકર તેનાથી સહજ દૂર ખસી ગયો છે. શ્રીલતા પોતાનો અણગમો વ્યક્ત કરે તે પહેલાં જ મધુકરે કહ્યું :

‘જો જો. પેલો સુરેન્દ્ર આવે.’

શ્રીલતા સમજી શકી કે મધુકર શા માટે ખસી રહ્યો હતો. નૂતન યુવક-યુવતી હજી જાહેર પ્રેમદર્શનની ઉગ્રતાએ પૂરાં પહોંચ્યાં નથી. ત્રાહિત ઓળખીતાની રૂબરૂ સહજ મર્યાદા જરૂરની ખરી. અને મધુકરના કહેવા પ્રમાણે સુરેન્દ્ર એક વૃક્ષઘટામાંથી આવતો દેખાયો પણ ખરો. તેણે સાદો પહેરવેશ પહેર્યો હતો. આકર્ષક બનવાની એક પણ ટાપટીપનો પ્રયત્ન તેનામાં હોય એમ લાગ્યું નહિ. વધારામાં તેનું મુખ અત્યંત ગંભીર હતું, તેની આંખ ચારે પાસ ચબરાકીથી ફરતી ખસતી ન હતી. અને તેના હાથમાં વળી પુસ્તક પણ હતું. ‘પિકનિક’માં ગમ્મત માટે આવવું અને પાછું પુસ્તક સાથે લાવવું !

‘વેદિયો નર્યો !’ શ્રીલતાએ મધુકરની સાથે સુરેન્દ્રને સરખાવી સુરેન્દ્ર વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.