પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહસૃષ્ટિ:૯૪
 

યશોદાબહેન પણ ધીમે ધીમે આવી પહોંચ્યાં, અને ગુંડાઓને વિદાય આપી પાછો વળેલો મધુકર પણ ત્યાં આવી ગયો. રાવબહાદુરની સાથે એ ઘણી વાર જુદી જુદી રમતો રમતો. એની રમત ઠીકઠીક હતી; વયે પહોંચેલા રાવબહાદુરને ફાવે એટલી આવડત મધુકરમાં હતી. પરંતુ એની આવડત કરતાંય એની રમત સંબંધી વાત એટલી રંગીન બનતી કે મધુકર બેડમિન્ટનની રમતમાં વિશ્વ વિજયી યોદ્ધો હોય એવી છાપ પાડતો હતો.

રાવબહાદુર અને જ્યોત્સ્ના તથા યશોદાબહેન અને મધુકર એમ ભિલ્લુ બનીને રમત રમી રહ્યાં હતાં. ભિલ્લુ શબ્દ દેશી રમતનો હોવાથી એને અંગ્રેજી રમત સાથે લાગુ કરી શકાય નહિ, એટલે રમનાર યુગલને આપણે ‘પાર્ટનર’ કહેવાં જોઈએ. જ્યોત્સ્ના પણ સરસ રમત રમતી હતી એટલે મધુકર તથા જ્યોત્સ્ના વચ્ચે ફૂલની ફેંકાફેંકી રસભરી બની રહેતી હતી. થોડી વાર રમત ચાલી; પરંતુ મોટા માણસોએ જલદી થાકી જવું જોઈએ એ ધોરણે યશોદાએ કહ્યું :

‘હવે થાક શરૂ થયો. આટલો દાવ રમીને બસ કરીએ. જ્યોત્સ્ના ! ચાલ પછી આપણે જરા ફરવા નીકળીએ.’

‘પણ મા ! મારા ખંડમાં શિક્ષક બેસી રહ્યા છે ને ?’ જ્યોત્સ્નાએ જવાબમાં શિક્ષણ સંબંધી ચિંતા વ્યક્ત કરી.

‘એની ચિંતા શી ? એ નોકર છે. એનો વખત થશે એટલે એ જશે.’ મધુકરે પોતાના મારેલા મહેણાનો જ્યોત્સ્નાને જવાબ આપ્યો. જ્યોત્સ્નાની આંખ જરા ફરી ગઈ. એટલામાં જ સુરેન્દ્ર બગીચાને કિનારે થઈને જતો દેખાયો. એટલે મધુકરે ફરી કહ્યું :

‘લો. આ તમારા શિક્ષક તો જાય છે જ… હું કહી દઉં… અરે… સુરેન્દ્ર ! તું જઈ શકે છે.’ સુરેન્દ્ર સાંભળે એમ રમત રમતે મોટે સ્વરે મધુકરે સુરેન્દ્રને આજ્ઞા આપી દીધી. જ્યોત્સ્નાનાં માતાપિતાની ઇચ્છા એ જાણી ગયો હોવાથી માતાપિતાએ આપવાની આજ્ઞા તેણે જ આપી.

સુરેન્દ્રે ચાલતી રમત તરફ જોયું, અને કાંઈ પણ બોલ્યા વગર કે સલામ નમસ્કાર કર્યા વગર તે ચાલતો હતો તેમ ચાલ્યો ગયો.

‘હં… ગુનામાં આવ્યો છે એટલે એનાથી જવાબ પણ અપાતો નથી.’ મધુકરે કહ્યું. રમતાં રમતાં કેટલીક વાતચીત થઈ શકે છે. એ બોલની અંદર મધુકરે પોતાનું સ્મિત ઉમેર્યું અને જ્યોત્સ્નાની સામે પણ જોયું.

‘સુરેન્દ્રની વાત તું કરે છે ?’ જ્યોત્સ્નાએ પણ રમત રમતે પૂછયું.

‘હા.’