પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮:સ્નેહસૃષ્ટિ
 

રાવબહાદુરની બેઠક આગળથી પસાર થયાં. ફરવા નીકળેલાં સ્ત્રીપુરુષને મુક્ત હાસ્ય હસવાનો અધિકાર છે. હસતાં સ્ત્રીપુરુષોએ હસતે હસતે રાવબહાદુર અને યશોદાબહેન તરફ દૂરથી નજર પણ નાખી. કોઈની દૃષ્ટિ પડે ત્યારે એકદમ યોગાભ્યાસમાં લીન હોઈએ એવું મુખ કેમ કરી દેવું તેની આવડત અનુભવી પ્રગલ્ભ સ્ત્રીપુરુષોમાં હોય છે ખરી; અને તેથી જ. કદાચ, આપણા રસમીમાંસકોએ પ્રૌઢાઓ અને પ્રગલ્ભાઓને પણ નાયિકાભેદમાં સ્થાન આપ્યું હશે ! પુરુષને તો વયનો ભેદ લાગતો નહિ જ હોય એ જાણીને જ નાયકભેદમાં વયની નહિ પણ ગુણની જ આવશ્યકતા રાખી છે ! પ્રૌઢ પુરુષો પ્રૌઢાઓની માફક પ્રેમ કરી પણ શકે છે અને પ્રેમ છુપાવી પણ શકે છે !

પરંતુ રાવબહાદુર બેઠા હતા એ એકાંત ખૂણો એ એકલું એકાંત બગીચામાં ન હતું. બગીચાના બીજા ભાગમાં લોકો ફરતાં ફરતાં, હસતાં અને બાળકો રમતાં દેખાતાં હતાં. બાળકોની ચીસો અને હસાહસ સંભળાય છતાં કોઈની નજર ન પડે એટલે દૂર બગીચાના એક એકાંત તરફ જ્યોત્સ્ના ચાલી જતી હતી. તેને આસપાસ નજર કરવાની જાણે જરૂર ન હોય તેમ તે નીચું જોઈને આગળ વધતી હતી. એની પાછળ પાછળ મધુકર આવતો હતો. તેણે ઝડપ વધારીને જ્યોત્સ્નાનું સાનિધ્ય મેળવ્યું. છતાં જાણે જ્યોત્સ્ના કંઈ જાણતી ન હોય તેમ આગળ પાછળ જોયા વગર પગલાં માંડ્યે જતી હતી. મધુકરને લાગ્યું પણ ખરું કે તે જ્યોત્સ્ના સમજી શકે એટલો નજીક તો આવી ચૂક્યો હતો છતાં જ્યોત્સ્નાએ મધુકરની હાજરીને નકારવાની વૃત્તિ ચાલુ રાખી, ત્યારે મધુકરથી એક આછી સુંવાળી, મીઠી બૂમ પડાઈ ગઈ : ‘જ્યોત્સ્ના !’

હવે જ્યોત્સ્ના ઊભી રહી અને તેની ગતિમાં અણગમતું વિઘ્ન આવ્યું હોય તેમ પાછળ ફરી તેણે નજર કરી. આજ એ જાણતી જ હતી કે મધુકર તેની પાછળ પાછળ આવ્યા વિના રહેશે નહિ. આજે જ પહેલો દિવસ હતો કે જ્યારે માતાપિતાએ બગીચામાં ફરવાનું કાર્ય જ્યોત્સ્નાને અને મધુકરને સ્વતંત્ર રીતે સોંપી દીધું હતું. એની પાછળ રહેલો માતાપિતાનો ભાવ તે છેક ન સમજે એમ ન હતું, અને મધુકરને તો દોઢબે વર્ષથી એ એટલી સારી રીતે ઓળખી ગઈ હતી કે તે તેને એકાંતમાં શોધતા ન આવ્યો હોત તો જ્યોત્સ્નાને નવાઈ લાગત.

જ્યોત્સ્નાએ ઊભા રહી પાછળ ફરી જોયું. એટલે હતી તે ઝડપ વધારી મધુકર પાસે આવી ગયો અને તેણે કહ્યું :

‘કેમ, જ્યોત્સ્ના ! એકલી જ ચાલી આવી ?’