પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
 
વીંટીનો ઘા
 

મધુકર સહજ ચમક્યો. ફૂલમાં કાંટો ક્યાંથી ? પરંતુ એક ક્ષણ માટે તેને એમ લાગ્યું કે તેના અને શ્રીલતાના સ્નેહસંબંધનો આ ઢબે ઉલ્લેખ કરી જ્યોત્સ્ના તેને ચીડવવા માગે છે; અને પ્રેમીને ચીડવવામાં પણ પ્રેમપ્રદર્શન જ રહેલું છે એમ મધુકર સરખા અનુભવી પ્રેમીને લાગે એમાં નવાઈ પણ નહિ.

વળી જ્યોત્સ્નાએ પોતાનો હાથ ખેંચી પણ લીધો ન હતો. જો શ્રીલતા ખરેખર આવી હોત તો તેણે પોતાનો હાથ જરૂર પાછો ખેંચી લીધો હોત ! પ્રેમતુમાખીમાં મધુકરે પાછળ જોયું જ નહિ; જ્યોત્સ્નાનો હાથ પકડી રાખ્યો, અને જ્યોત્સ્નાએ પણ પોતાનો હાથ તેના હાથમાં રહેવા દીધો ! પરંતુ શ્રીલતાને સંબોધીને જ્યોત્સ્નાએ વાત લંબાવી ત્યારે મધુકર ખરેખર ચમકી ઊઠ્યો.

‘જો ને, આ મધુકર, શ્રીલતા ! હું કદી કોઈ પુરુષની સાથે શૅકહેન્ડ કરતી નથી તોય મધુકરે મારો હાથ ક્યારનોય પકડી રાખ્યો છે. હવે તું એને હાથફેર કરાવ ને જરા ? મધુકરને તો તારોય હાથ સરખો છે અને મારો હાથ પણ સરખો છે !’

જ્યોત્સ્ના હસતે હસતે બોલી, અને તેનો હાથ છૂટો થયો એટલે શ્રીલતા અને મધુકરને એકલાં છોડી જ્યોત્સ્ના ઝડપથી બગીચામાં બીજે સ્થળે ખસી ગઈ. મધુકરે સહજ પાછળ જોયું તો ખરેખર શ્રીલતા આવીને ઊભેલી જ દેખાઈ ! મધુકરે જ્યોત્સ્નાનો પકડેલો હાથ તેણે જરૂર જોયો હોવો જોઈએ. એને જ્યોત્સ્નાએ શ્રીલતાને કરેલું સંબોધન એ મધુકરને ચીડવવાનો જ્યોત્સ્નાનો પ્રેમપ્રયોગ નહિ પરંતુ સત્ય વસ્તુસ્થિતિ હતી, એમ પણ હવે મધુકરને લાગ્યું. શ્રીલતાનું મુખ પણ કોઈ પ્રેમઘેલી પ્રિયતમાનું મુખ ન હતું. પરંતુ ગાંભીર્યમાંથી વધતા જતા ક્રોધનું નિરૂપણ કરતું મુખ હતું, એમ પણ મધુકરને લાગ્યું. ક્ષણ બે ક્ષણ, મધુકરે મૂંઝવણ અનુભવી ખરી. એ મૂંઝવણમાં તેણે પોતાની બે હથેલીઓ સહેજ ભેગી કરી મસળી, મસ્તકના પાછલા ભાગ ઉપર ડાબો હાથ ફેરવ્યો અને એકાએક