પૃષ્ઠ:Snehashristi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાગ અને પ્રેમઃ ૩


‘આજ એને જરૂર બનાવું.’ મધુકર બોલ્યો.

એક બાજુએ રમતાં પરાશર, યશોધરા અને નીતીન સહજ મોડા આવેલા સુરેન્દ્રને પકડી રમતની એક બાજુએ ઘસડી ગયાં. સુરેન્દ્ર પણ હસતો હસતો ઘસડાયો. સહુ કોઈ તેના મોડા પડવાની ટેવને, સતત સાથે રહેતી સખી સરખા સુરેન્દ્રના પુસ્તકને અને તેના ગાંભીર્યને હસતાં હતાં. અંગત વિચિત્રતાઓને કે વિશિષ્ટતાઓને વધારી તેમની ટીકા કરવાનો હક્ક મિત્રોને અને ઠઠ્ઠાચિત્ર દોરનાર ચિત્રકારને હોય જ. સુરેન્દ્ર પણ પોતાની વિચિત્રતાઓ ઉપર પોતે જ હસવા માંડ્યું.

હમણાં… ધીમે રહીને… ટોળામાં ભળી જવાશે એમ ધારી મધુકર સાથેના એકાન્તને લંબાવવા ઇચ્છતી શ્રીલતાએ જોયું કે કાંઈ પણ બોલ્યા વગર મધુકર એકાએક તેને પાછળ મૂકી આગળ ચાલ્યો જાય છે ! શ્રીલતા તેની પાસેથી ખસી જતા મધુકરને જોઈ રહી. સહુથી મોડી આવ્યા છતાં મહારાણીના ઠસ્સાપૂર્વક કારમાંથી ઊતરતી જ્યોત્સ્ના તરફ સહુનું લક્ષ્ય ખેંચાયું. જ્યોત્સ્ના પ્રથમ છાપે ગર્વિષ્ટ લાગતી હતી. તેના હાથમાં ‘વેનિટી બૅગ’ હતી, જેનો આકાર સઘળી યુવતીઓને ગમ્યો. સહુ કોઈ જ્યોત્સ્ના પાસે ગયાં. મધુકર પણ ઝડપથી જ્યોત્સ્નાની સામે જઈ પહોંચ્યો અને તેની સાથે હાથ મેળવવા પોતાનો હસ્ત લાંબો કરી તે બોલ્યો :

‘હલ્લો ! ગુડ આફ્ટર નૂન, જ્યોત્સ્ના ! કેમ જરા મોડું થયું ?’ જ્યોત્સ્ના સહજ હસી અને બોલી :

‘મને તો લાગ્યું કે હું વહેલી પડીશ. અહીં તો બધાં આવી ગયાં છે !’

મધુકરના શેકહૅન્ડ માટે લંબાયેલા હાથને જરા પણ ગણકાર્યા વગર જ્યોત્સ્ના મિત્રસમૂહમાં ભળી ગઈ. મધુકર એક ક્ષણ માટે જરા ઝંખવાયો. ‘શેકહૅન્ડ’ ઇચ્છતો હાથ ખાલી પડ્યો. લંબાયેલા હાથ સફાઈભરી ઢબે તેણે મુખ તરફ વાળી મુખમાંથી સિગરેટ કાઢી પાસે જ ફેંકી અને તેને પગ નીચે કચરી નાખી… જાણે શેકહૅન્ડ માટે તેણે જ્યોત્સ્ના સામે હાથ કદી લંબાવ્યો જ ન હોય !… સિગરેટને કચરી નાખતાં તે પોતે પણ કોઈને કચરી નાખવાનો નિશ્ચય જ ન કરતો હોય !

ઉજાણીની ગમ્મતમાં સહુએ ભેગાં રમવું પડે, ગાવું પડે અને ખાવું પડે. દોડાદોડી કરી થાકેલું મિત્રમંડળ કશી બેઠી રમત રમવા માટે ટોળે વળી બેસી ગયું. આજના ઝડપી જીવનમાં તો વર્ષે વર્ષે રમતોનાં સ્વરૂપ બદલાય છે. રમત, અને તે પણ બેસીને રમવાની રમતનો શોખીન પરાશર બેઠો બેઠો ક્યારનો કોઈ રમતની યોજના કરતો હતો. તેણે ભેગા થયેલા ટોળાને ઉદ્દેશીને કહ્યું :