મૂંઝવણ ઉપર વિજય મેળવી, મુખ ઉપર સ્મિત લાવી, જાણે કંઈ બન્યું જ ન હોય એમ મધુર કંઠે તેણે કહ્યું :
‘શ્રીલતા ! તું ?’
‘હા, મધુકર ! હું જ શ્રીલતા.’ જરા ગંભીરતાથી શ્રીલતાએ કહ્યું. યુવતીઓનાં રૂપાળાં મુખ પણ કદી કદી ભયાનક બની જતાં હશે ખરાં !
‘બહુ દિવસે મળી.’ મધુકરે કહ્યું.
‘તું હવે મોટો માણસ બની ગયો. તને અકસ્માત સિવાય કેમ મળી શકાય ?’
એકાએક મધુકરે શ્રીલતાને ખભે હાથ મૂક્યો, અને અત્યંત ભાવપૂર્વક તેણે કહ્યું :
‘એમ નહિ, શ્રીલતા ! તને ખબર નથી કે મારી નોકરી કેટલી કઠણ અને કડક છે. કેવા માણસો પાસે રહી મારે…’
‘તારી નોકરી કેટલી કડક અને કઠણ છે એ તો હું ક્યારની જાણું છું; કેવાં માણસોની તું નોકરી કરે છે એ પણ જાણું છું.’
‘હું સાચું કહું છું; તારા સમ !’
‘એ સત્ય મને અહીં જ જણાયું. પાંચેક મિનિટ થઈ હશે.’ કહી શ્રીલતાએ પોતાને ખભેથી મધુકરનો હાથ ખસેડી નાખ્યો.
‘અરે… શ્રીલતા ! મારી ગૂંચવણની તો તું વાત જ જવા દે. એ જ્યોત્સ્નાનું લફરું મારે ગળે વળગ્યું છે; એ કેમ, ક્યાં અને કેવી રીતે, એનું વર્ણન કરવું પણ મને ગમતું નથી. રોજ એને અને એનાં માબાપને લઈ મારે ફરવા નીકળવાનું… અને મને શી ખબર કે આ મીંઢી જ્યોત્સ્ના મને આમ વળગશે અને મને આટલું પજવશે ? ચાલ, ત્યારે હું હવે જાઉં… ફરી જરૂર મળીશું… રાવબહાદુર મારી રાહ જોતા હશે… પાછા બૂમ પાડશે… The old fool !’ કહી મધુકરે ચાલવા માટે પગ ઉપાડ્યો, પરંતુ શ્રીલતાએ તેને ઊભો રાખ્યો.
‘મધુકર ! ઊભો રહે. રાવબહાદુર તો તારી રાહ જોતા હશે, અને ભલે આજ એ બૂમ પાડે. પરંતુ તારા કહેવા પ્રમાણે હું તારી રોજ રાહ જોઉ છું, તેનું શું ?’
‘શ્રીલતા ! તું બહુ ડાહી છોકરી છે. આપણે કાલે આ વખતે જ મળીએ તો ? જરૂર…’
‘આ કેટલામી કાલ છે તે તેં ગણી છે ખરી ?’
‘Don't be silly, શ્રીલતા ! હું કાલે જ તને મારી પરિસ્થિતિ