પૃષ્ઠ:Snehashristi.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીંટીનો ઘા:૧૦૩
 

લંબાણથી સમજાવીશ, એટલે તું જરૂર મારી દયા ખાઈશ. ચાલ ત્યારે, સાહેબજી ! તારી દયાની મને ઘણી જરૂર છે.’

‘રોજ શેકહૅન્ડ કરતો તે આજે શેકહૅન્ડ તો કર ? અને પછી જા મારે તારી સાથે શેકહૅન્ડ કરવી છે.’ શ્રીલતાએ કહ્યું અને તેણે પોતાનો હાથ શેકહૅન્ડ કરવા માટે લંબાવ્યો. જરા કચવાતા મને મધુકરે પણ પોતાનો હાથ લંબાવ્યો. પણ શ્રીલતા મધુકરનો લંબાવેલો હાથ પકડી તેની સામું જ જોઈ ઊભી રહી. મધુકરે પોતાનો હાથ ખસેડવા પ્રયત્ન કર્યો, પરંતુ શ્રીલતાએ બળપૂર્વક હાથ પકડી રાખી તેને રોક્યો. અત્યંત ત્વરા ઇચ્છતા મધુકરે શ્રીલતાને જરા અકળાઈને કહ્યું :

‘કહે, કહે, શ્રીલતા ! જલદી કહે; શું કહેવું છે ?’

‘કહેવાની વાત તો બહુ લાંબી છે, એ હું પછી કહીશ.’ શ્રીલતાએ કહ્યું.

‘તો મારો હાથ કેમ પકડી રાખ્યો છે ? હવે મને જવા દે ને ! પેલાં ડોસાં બૂમ મારશે.’ મધુકરે કહ્યું. આજના યુવાનોને પોતાનાથી સહેજ મોટી ઉમરવાળાં સહુ કોઈ ડોસાં જ લાગે છે.

‘મારા મનમાં કે મારા હાથની આ વીંટી તને સહજ વાગશે ખરી !’

‘વીંટી તે વાગે, ઘેલી !’

‘વાગે નહિ પરંતુ વીંટી પોતાની યાદ તો જરૂર આપે - વીંટી જેને પહેરાવી હોય તે ભલે યાદ ન આવે તોય !’

'શ્રીલતા! કાંઈ ભૂલ થાય છે !'

‘મારી ભૂલ થતી હોય તો મને દેખાડ. હું તો તેં કહ્યું છે ત્યારથી, રોજ અહીં આવી તારી રાહ જોઉ છું. પણ તું બીજે ફરતો હોય છે છતાં અહીં આવતો નથી.’

‘એનું કારણ હું તને સમજાવીશ. મારે કબૂલ કરવું જોઈએ કે મારી કાંઈ ભૂલ થઈ છે તો ખરી - તારી દૃષ્ટિએ. એ બદલ હું તારી માફી માગું છું. જોકે શ્રીલતા ! હું તો છું તેનો તે જ છું.’ કહી શ્રીલતાનો હાથ પકડી, ઘૂંટણીએ બેસી તે શ્રીલતા સામે જોઈ રહ્યો. પાવરધા પ્રેમીઓ એમ જ માને છે કે તેમની આંખમાં અંજનના ભંડાર ભર્યા છે, જે વડે તેઓ ગમે તે યુવતીને આંજી નાખે. શ્રીલતા અત્યારે અંજાઈ હોય એમ લાગ્યું નહિ. એણે તો જરા કડકાઈથી કહ્યું :

‘મધુકર ! નાટક ન કરીશ; નાટકની જરૂર નથી.’

‘હું માફી માગું છું એ તને નાટક લાગે છે ?’ એકદમ ઊભા થઈ મધુકરે વાણીમાં જરા વિષ લાવી કહ્યું.