પૃષ્ઠ:Snehashristi.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪:સ્નેહસૃષ્ટિ
 


‘મને જે લાગતું હોય તે ખરું, પણ આજની આપણી મુલાકાતમાં હું તને યાદ રાખવા જેવી એક વાત કહી દઉં.’ શ્રીલતા બોલી.

‘કાલ ઉપર ન રાખે ?’

‘ના; અબઘડી જ કહેવું છે.’

‘તો કહી નાખ ને જલદી, Dear!’

‘તો સાંભળી લે. સ્ત્રીઓનાં હૃદય એ રમવાનાં, રમીને ભાંગવાનાં અને ભાંગીને તોડીફોડી ફેંકી દેવાનાં રમકડાં નથી !’ શ્રીલતાએ જરા ભાર દઈને મધુકરને કહ્યું.

‘આ બધું તું મને - મધુકરને સંભળાવે છે, શ્રીલતા ? વારુ બીજું કાંઈ ?’

‘મેં કહ્યું તે યાદ નહિ રાખે તો બીજું ઘણું ઘણું યાદ રાખવું પડશે… અને મધુકર ! કાલથી હું તારી રાહ જોવા માટે આવનાર નથી. આજ આટલું બસ છે. હવે તું જઈ શકે છે, જ્યાં જવું હોય ત્યાં. રાવબહાદુર પાસે જા, કે જ્યોત્સ્ના પાસે જા.’ કહી શ્રીલતા પોતે જ ત્યાંથી જલદી પગલાં ભરતી ચાલી ગઈ. એક ક્ષણભર મધુકર ઊભો રહ્યો. એકાએક તેણે પોતાની હથેલીમાં બીજા હાથની મુઠ્ઠી પછાડી કાંઈ નિશ્ચય કર્યો હોય એવો દેખાવ કર્યો અને વિજયી ગતિથી તેણે ડગલાં ભર્યાં. જોતજોતામાં તે રાવબહાદુર અને યશોદાબહેન બેઠાં હતાં ત્યાં આવી પહોંચ્યો. જ્યોત્સ્ના પણ ત્યાં જ બેઠી હતી. મધુકરના આવતાં બરાબર જ્યોત્સ્નાએ સ્મિત કર્યું અને પૂછ્યું;

‘શ્રીલતાએ તને બહુ વાર રોક્યો નહિ ?’

‘શ્રીલતા કોણ ?’ યશોદાબહેને એકાએક પૂછ્યું.

‘મારી એક બહેનપણી છે. કોઈક કોઈક વાર આવે છે. આપણે ત્યાં. તને યાદ નહિ હોય, મા !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘શું ભણે છે. એ ?’ રાવબહાદુરે પૂછ્યું. મધુકરનું કોઈ સ્ત્રીમિત્ર હોય એ રાવબહાદુરને પણ ગમ્યું નહિ. લગ્નબજારમાં પુરુષોના ભણતરની સાથે સ્ત્રીઓના ભણતરની પણ કિંમત સરખાવા લાગી છે.

‘એ મારી સાથે જ ભણે છે, અને કદાચ… મધુકર સાથે એ પરણી પણ જશે એમ સંભળાય છે.’ કહી જ્યોત્સ્ના જરા હસી. લગ્ન અને પ્રેમ વિશે વાત થતી હોય ત્યાં એક ક્ષણ પણ ઊભી ન રહેનારી જ્યોત્સ્ના અત્યારે વાચાળ શા માટે બન્યે જતી હતી તેની મધુકરને સમજણ પડી નહિ. તેણે મૂંઝાઈને કહ્યું :

‘શું તમેયે, જ્યોત્સ્નાગૌરી ! મારી મશ્કરી કરો છો ?’

‘મશ્કરી ? હું કરું છું ? મેં તો ચોક્કસ સાંભળ્યું હતું અને હું માનું છું