‘ચિત્રની બાબતમાં તું સુરેન્દ્રની સલાહ લેશે ?’ મધુકરે એકાએક ટૅક્સીમાં પૂછ્યું અને જ્યોત્સ્નાની પાસે વધારે ખસીને બેઠો.
‘હા.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘અરે, પણ એ તો ચિત્ર જોતો જ નથી… બને ત્યાં સુધી. એ શી સલાહ આપશે ?’
‘કોઈ વાર એનાં સૂચનો સરસ હોય છે.’
‘પરંતુ એ ઘેર મળશે ખરો ? તું જાણે છે કે એ તો દિવસે દિવસે સામ્યવાદ તરફ ઢળતો જાય છે, અને આપણે ન ઇચ્છીએ એવાં સ્થળે રખડ્યા કરે છે.’
‘એનું ઘર પાસે જ આવ્યું છે. આપણે જોઈ લઈએ. હશે અને આવશે તો ઠીક; નહિ તો આપણે બન્ને મળી ચિત્ર જોઈશું.’ આટલું કહી જ્યોત્સ્નાએ ટૅક્સીને અટકાવી. સુરેન્દ્રનું નાનકડું મકાન આવી ગયું હતું. જ્યોત્સ્નાએ અને મધુકરે ગાડીમાંથી ઊતરી સુરેન્દ્રના નાનકડા ઘરમાં પ્રવેશ કર્યો. સુરેન્દ્ર એકાએક બારણા પાસે આવીને ઊભો રહ્યો અને તેણે પૂછ્યું :
‘ઓહો, તમે બે જણ ક્યાંથી ? પધારો.’
‘અમારે પધારવું નથી. અમારે તને સાથે લઈ જવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘ક્યાં ? અત્યારે જ ?’ સુરેન્દ્રે જરા ચમકીને પૂછ્યું.
હા, અત્યારે જ. એક સરસ ચિત્રપટ આવ્યું છે તે જોવા માટે તને અને મધુકરને લઈ જવા છે. જલદી ચાલ વધારે વખત રહ્યો નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘ચિત્રપટ જોવા… મને લઈ જવો છે ? હું તો બને ત્યાં સુધી ચિત્ર જોતો જ નથી.’
‘તોપણ મારે તને લઈ જવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘જ્યોત્સ્ના ! બીજો કોઈ દિવસ રાખ, હું જરૂર આવીશ. પરંતુ આજે… તો હું એવો ગૂંચવાઈ ગયો છું કે મારાથી ન જ અવાય.’ સુરેન્દ્રે કહ્યું.
‘કાંઈ ઊથલપાથલ કરવાની સભા મળવાની હશે, સુરેન્દ્ર ! મેં તને એક કરતાં વધારે વાર ચેતવણી આપી છે કે જો તું તારો સામ્યવાદ મૂકી નહિ દે તો તું તારી નોકરી ગુમાવીશ.’ મધુકરે જરા ધમકી આપી.
સુરેન્દ્રે હસીને તેને જવાબ આપ્યો :
‘મધુકર ! સામ્યવાદ કે કોઈ પણ વાદ મારી નોકરી જાય કે રહે એના