જ્યોત્સ્નાએ ધીમે ધીમે મધુકરને કહ્યું.
ચિત્ર ચાલુ જ હતું. જ્યોત્સ્ના તે રસપૂર્વક જોતી હતી, પરંતુ મધુકરને ચિત્ર કરતાં જ્યોત્સ્નામાં વધારે રસ હતો. સુરેન્દ્ર સાથમાં ન હતો એ એક મોટી રાહત હતી. જ્યોત્સ્નાનાં માતાપિતા ઉપર તો મધુકર સરસ છાપ પાડી શક્યો હતો; એટલી સરસ કે તેની સાથે જ્યોત્સ્નાને એકલી મોકલવાને તેઓ તત્પર થયાં હતાં ! જ્યોત્સ્ના પણ છેક અસ્પૃશ્ય બની રહી ન હતી. બગીચામાં તેનો હાથ પકડ્યો ત્યારે જ્યોત્સ્નાએ ખાસ વાંધો લીધો ન હતો. અને પેલી શ્રીલતા વચ્ચે આવી ચડી ન હોત તો જ્યોત્સ્નાને તે તત્કાળ - તે જ ક્ષણે - જીતી શક્યો હોત. સુરેન્દ્ર સાથે ન આવ્યો ત્યારે પણ તેણે સુરેન્દ્રને આગ્રહ ન કરતાં મધુકર સાથે ચિત્ર જોવાનું પસંદ કર્યું. આ ચિત્ર પ્રસંગે જ વિજય મેળવવો ? કે જરા લંબાણભરી વ્યુહરચના કરવી ?
‘જો જો. મધુકર !… શો સરસ અભિનય !’ કહી જ્યોત્સ્નાએ ચિત્રપટ ઉપર ચાલતા એક પ્રસંગ તરફ મધુકરનું ધ્યાન ખેંચ્યું.
મધુકરનું ધ્યાન ચિત્ર ઉપર હતું જ નહિ. યોગી, વેદાન્તી અને ભક્ત જેમ સંસારના કાર્યમાં રત રહેતો જણાય છતાં એનો માનસિક સંપર્ક એના ઇષ્ટ સાથે જ હોય, તેમ મધુકરની આંખ ચિત્ર સામે ફરતી હોવા છતાં એનું માનસ જ્યોત્સ્ના સાથે જ જોડાયેલું હતું.
‘હા, ઘણો સરસ અભિનય.’ મધુકરે એકાએક કહ્યું.
‘તારું ચિત્ત આજે આ ચિત્રમાં નથી લાગતું.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘સાચું કહું ?… મારું ચિત્ત આજ ક્યાં છે તે ?’
‘હું જાણું છું ક્યાં છે તે !’
‘તો તું જ કહે.’
‘શ્રીલતામાં… વળી. બીજે ક્યાં ?’
‘તારી ભૂલ થાય છે, જ્યોત્સ્ના !’
‘કેમ ? તારી અને શ્રીલતાની વચ્ચેના પ્રેમની હકીકત તો જગજાહેર થઈ ચૂકી છે… ક્યારનીયે.’
‘એ સત્ય નથી.’
‘તો પછી તારું ચિત્ત ક્યાં છે ?’
‘કહું ? તારામાં.’
‘જા જા, ઘેલી વાત ન કરીશ. કેટલી સ્ત્રીઓમાં તારે તારું ચિત્ત રોકવું છે ?’
‘એકમાં જ… અને તે તારામાં.’