પૃષ્ઠ:Snehashristi.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬:સ્નેહસૃષ્ટિ
 

ઊભેલા સુરેન્દ્રે તેને કહ્યું :

‘મીનાક્ષી ! બહાર ચાલી આવી; કશી હરકત નથી.’

મીનાક્ષી બહાર ચાલી આવી, પરંતુ હજી તેને ભય ઘટ્યો ન હતો. શું ? કેમ થયું ? શા માટે થયું ? એનો ખ્યાલ મીનાક્ષીને પણ આવ્યો ન હતો તેમ ટોળાને પણ આવ્યો ન હતો. માત્ર મીનાક્ષીને બધા વચ્ચેથી ઊંચકી તેને કારમાં ઘસડી બળપૂર્વક બેસાડી દીધી હતી, અને કાર ન ચાલવાથી તેને બેસાડનાર આ ટોળામાંથી ભાગી ગયા હતા. એટલું જ સહુ કોઈ સમજી શક્યા.

મીનાક્ષી વધારે ભયની આગાહીથી હજી થરથર કંપતી હતી. ગુનેગારો ભાગી ગયા પછી મહાબહાદુર બનતા ટોળાએ હવે શૌર્ય દાખવવા માંડ્યું : ‘પકડો બદમાશોને !’

‘ક્યાં ભાગી ગયા હરામખોરો ?’

‘બોલાવો પોલીસને !’

‘આમ દુનિયા કેમ ચાલશે ?’

‘સરકાર શું કરે છે ?’

‘બધાય અમલદારો મફતના પગાર ખાય છે !’ આવા આવા ઉદ્‌ગારો દ્વારા વીરત્વ પ્રદર્શન કરી રહેલા ટોળામાં બેત્રણ પોલીસના માણસો પણ આવી ચૂક્યા અને ચારેપાસ વિજયી મુખમુદ્રા કરી સહુને વેરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સહેજ સહેજ ધાંધળ, ધોલઝાપટ કે ઝપાઝપીથી કાંઈ ભારે ગુનો બનતો નથી; અને ફરિયાદી તેમ જ આરોપી બંનેને એકએક બબ્બે તમાચા મારી અનેક ફરિયાદોનો નિવેડો કરનાર અનુભવી પોલીસના માણસોએ લોકોને વેરી નાખવા માંડ્યા. એકબે કાયદાબાજ ટોળાબંધુઓએ જરા પોલીસની પણ ખબર લેવા માંડી.

‘અરે શું જમાદાર !… આટલી વસ્તી વચ્ચેથી છોકરીઓને ગુંડાઓ ઉપાડી જાય એ કેવું ?’

‘એ છોકરી પણ સંતલસમાં નહિ હોય એમ શા ઉપરથી ?’ પોલીસે કહ્યું. પોલીસની દુનિયામાં ગુના રહિત પ્રાણી કોઈ જ નથી… અને એ વાત છેક ખોટી પણ ન કહેવાય !

‘અરે, પણ પૂછો તો ખરા ?’ બીજા કાયદાબાજે આજ્ઞા આપી.

‘કેમ બાઈ ! શું થયું ? શાનું બધું ધાંધળ કરો છો ?’ પોલીસે મીનાક્ષી તરફ વળી પૂછ્યું. જેને લઈને ધાંધળ થયું હોય એ પણ ધાંધળ કરનાર તરીકે જ સાહજિક રીતે ગણાય. મીનાક્ષીને પોલીસે પૂછેલો પ્રશ્ન મિથ્યા ન હતો.