પૃષ્ઠ:Snehashristi.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપ અને હૃદય૧૨૧
 


‘સુરેન્દ્ર હમણાંનો ગુંડાઓની સૃષ્ટિમાં ફરે છે.’ મધુકરે સહજ હસીને કહ્યું.

‘હાય હાય, બાપ ! એમ ? સુરેન્દ્ર ! તું ગુંડાઓમાં ફરે છે ?’ બીજી યુવતીએ જરા ગભરાટભર્યું આશ્ચર્ય બતાવ્યું.

'અરે, જોતજોતામાં એ જુગારીઓનો આગેવાન બની જશે.’ મધુકરે મશ્કરી કરી.

‘પણ અહીં તો એણે મીનાક્ષીને ગુંડાઓથી બચાવી. એ કેમ બન્યું ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારા કરતાં મીનાક્ષી એ વધારે સારી રીતે કહી શકશે.’ સુરેન્દ્રે કહ્યું.

‘વાહ ! મને વળી શી ખબર કે મને ગુંડાઓ ઊંચકી જવાના છે ?’ મીનાક્ષીએ કહ્યું. કેટલીક યુવતીઓનાં માનસ પોતાની આસપાસ કાંઈ અને કાંઈ અદ્ભુત પ્રસંગ બન્યા કરે એમાં જ પ્રસન્ન રહે છે. યુવકો સાથે એ હસીને લળીને, લાડીને બોલે છે; તેમનો સાથ સેવે છે. તેમની ભેટ સ્વીકાર્યે જાય છે; એક કરતાં વધારે યુવકો તેની સાથે પ્રેમ કરતાં હોય એમાં પોતાનાં રૂપ અને માનસનો વિજય માની લે છે; પત્રવ્યવહાર કરે છે, પત્રમાં પ્રેમની કલ્પના ઊભી થાય એવાં સૂચનો પણ કરે છે, અને પ્રેમીઓની એક સાતતાળી ઉપજાવે છે, ભણવાને નામે મોજ કરતા, એક જ વર્ગમાં ત્રણ ત્રણ વર્ષની ઓછામાં ઓછી આસાએશ લેતા અને અંતે ભણવાનું છોડી પિતાના પૈસાથી ધંધાની વ્યવસ્થા કરતા નીતીન નામે યુવક સાથે મીનાક્ષીએ બહુ હરવાફરવા માંડ્યું. તેની ભેટ એ સ્વીકારતી ચાલી અને અંતે છણકાઈ રિસાઈ નીતીનને એક વખત તમાચો પણ લગાવી કાઢ્યો - નીતીનના પૌરુષને પડકાર કરીને !

ત્યારથી નીતીને મીનાક્ષી ઉપર વેર લેવાનો નિશ્ચય કર્યો. નીતીન અને મીનાક્ષી વચ્ચે પ્રેમ હતો કે ન હતો એ પ્રશ્નનું નિરાકરણ બધા મિત્રો કરે તે પહેલાં તો લટકભરી મીનાક્ષીએ નીતીનની હળવી નીતિ ઓળખી લીધી. એક વાર મધુકર પ્રત્યે આકર્ષાયલી મીનાક્ષી મધુકર કરતાં નીતીન ઉપર વધારે પ્રેમ ઢોળવા માંડ્યો. પરંતુ નીતીનને પ્રેમ-શુદ્ધ પ્રેમ જોઈતો હતો. પ્રેમના વળગણ સરખું લગ્ન નહિ. એ સૂચનનો જવાબ મીનાક્ષીએ ધોલથી આપ્યો અને ધનિક નીતીન વેર લેવા તલપી રહ્યો. સ્ત્રી ઉપર પુરુષને વેર લેવું એનો અર્થ મર્યાદિત બની રહે છે. સ્ત્રીને નિઃસહાય સ્થિતિમાં મૂકી તેને લજ્જિત બનાવવી એ એની મોટામાં મોટી મોજ અને મોટામાં મોટી મરદાઈ ! પુરુષ પોતાની જાતને પૂછતો નથી કે સ્ત્રીની લાજ લૂંટવામાં પુરુષની પણ લાજ લૂંટાય છે કે નહિ ! શા માટે એકલી સ્ત્રીની