લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાગ અને પ્રેમ: ૫
 

ત્યાં રાધા-કૃષ્ણની વાત પણ સહુને ગમે તો ખરી જ. હસતે હસતે નીતીને પણ ચિઠ્ઠી ઉપાડી અને કપાળે હાથ મૂકી તે બોલી ઊઠ્યો :

‘અરે, હું તો શંકર બન્યો !… જ્યારે મારે બનવું હતું વિષ્ણુ !’

‘સારું થયું માની લે કે અપૂજ બ્રહ્મા ન બન્યો !… જ્યોત્સ્ના ! હવે તારો વારો.’ પરાશરે કહ્યું.

જ્યોત્સ્નાએ પણ ચિઠ્ઠી ઉપાડી વગર વાંચે પરાશરને સોંપી દીધી. પરાશરે કહ્યું :

‘ચાલો ! એનું પરિણામ હું જાહેર કરું… ઓહો ! એ તો ઈંદ્રાણી બની ગઈ !’

‘તે બરાબર છે. જુઓને એનો દમામ !’ શ્રીલતા બોલી.

‘એ પછી સુરેન્દ્ર નામ ધારીએ જ ચિઠ્ઠી ઉપાડવી જોઈએ. એનું ભાગ્ય શું બોલે છે એ તો સમજીએ ? ઉપાડો તમારી ચિઠ્ઠી, મહાશય સુરેન્દ્ર !’ મધુકરે કહ્યું અને ગંભીરતાપૂર્વક સુરેન્દ્રે ચીઠ્ઠી ઊંચકી અને વાંચ્યું :

‘બ્રહ્મચારી !’

સુરેન્દ્રને પોતાને પણ સહજ હસવું આવ્યું, સહુને ખડખડાટ હસવું આવ્યું. રમત-નેતા પરાશરે વગર હસ્યે નિર્ણય આપ્યો :

‘જિંદગીભર આ સુરેન્દ્રને કોઈ સ્ત્રી મળવાની નથી.’

અને સહુ ફરી હસ્યાં… ન હસી માત્ર જ્યોત્સ્ના. આમે જ્યોત્સ્ના ઘણું ખરું અતડી અને ગંભીર ગણાતી હતી.

રમત આમ આગળ ચાલી અને પૂરી થઈ. માથે લેનાર એકબે યુવકો અને યુવતીઓએ ચા-નાસ્તાની તૈયારી કરવા માંડી. ઉજાણીમાં, અને એ જૂનો અશિષ્ટ શબ્દ નવા યુગને ગમતો ન હોય તો ‘પિકનિક’માં, છેલ્લું પણ મહત્વનું સુમધુર કાર્ય ચા-નાસ્તાનું હોવું જ જોઈએ. એ પણ પૂરું થવા આવ્યું. છતાં સુરેન્દ્રની પાસે પડેલા પ્યાલારકાબી એમ ને એમ ભરેલાં જ હતાં. વાતોના રસમાં ઊંડી ઊતરેલી મંડળીમાંથી શ્રીલતાએ તે તરફ જોયું અને એનાથી બોલાઈ ગયું :

‘આ સુરેન્દ્ર તો ચા પીતો નથી… એને માટે બીજું કાંઈ ?’

‘અરે, એ તો કોઈ ગળી ચીજ પણ ખાતો નથી… અને બજારુ ચીજ પણ નહિ ! શું થાય એને માટે ?’ ઉજાણીની વ્યવસ્થા માથે લેનાર પરાશરે કહ્યું.

નીતીને એની મશ્કરી કરી પૂછ્યું :

‘સુરેન્દ્ર ! ક્યાં સુધીની આ બાધા છે ?’