પૃષ્ઠ:Snehashristi.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪:સ્નેહસૃષ્ટિ
 

જવાબ આપ્યો :

'મારા વૃન્દાવનમાં.'

અને તે અંધકારમાં અદૃશ્ય થઈ ગયો.

'સાંભળ્યું એ ક્યાં જાય છે તે ?' એક યુવતીએ કહ્યું. નૂતન યુગને પણ વૃંદાવનની ભાવના ગમે છે ખરી.

'બે મિત્રોના ઝઘડામાં સુરેન્દ્રને વચ્ચે પડવાનો શો અધિકાર ?' મધુકરે સુરેન્દ્રની કિંમત આંકવા માંડી.

'એટલે ? મીનાક્ષીને મરજી વિરુદ્ધ નીતીન ઊંચકી જાય છતાં સુરેન્દ્રે કાંઈ કહેવું કરવું નહિ, એમ ?' જ્યોત્સ્નાએ પૂછ્યું.

'તું સમજ બરાબર, જ્યોત્સ્ના ! સુરેન્દ્ર જાણતો હતો કે મીનાક્ષી અને નીતીન મિત્રો છે.' મધુકર બોલ્યો.

‘એટલે પુરુષમિત્ર સ્ત્રીમિત્રને ફાવે તે રીતે ઊંચકી જાય, એમ ?' એક યુવતીએ પ્રશ્ન કર્યો.

'એક મિત્ર બીજા મિત્રને ક્વચિત્ ચમકાવે એમાં શું મહાઅનર્થ થઈ ગયો ? રસ્તે ચાલતા કોઈ મિત્ર મારી આંખ મીંચે... એમાં ચમકાવવા સિવાય અને પછી હસવા સિવાય બીજો શો હેતુ હોય ? હું તો મીનાક્ષી નીતીનના આ પ્રસંગને મહત્વ આપી જ શકતો નથી.. બંને ગઈ કાલ સુધી તો હાથમાં હાથ નાખીને ફરતાં હતાં !' મધુકરે કહ્યું.

'ગઈ કાલ સુધી નહિ... એક મહિનાથી તો હું એની સાથે બોલી પણ નથી.' મીનાક્ષીએ કહ્યું.

'માટે જ... કદાચ તને ખૂબ બોલવાની તક મળે માટે જ નીતીને આ ગમ્મત ગોઠવી હોય... નાહક સુરેન્દ્ર ગમ્મતો બગાડે છે. જ્યાં અને ત્યાં....'

ટૅક્સી જોવામાં આવી. બે ટૅક્સી જ્યોત્સ્નાએ લઈ લીધી. સ્ત્રીમિત્રોને પોતપોતાને ઘેર ઉતારી દીધી અને મીનાક્ષીને પણ છેલ્લે છેલ્લે તેને ઘેર ઉતારી મીનાક્ષીની લટક અત્યારે ઓછી થઈ ગઈ હતી એની મધુકરે નોંધ પણ લીધી. હજી મીનાક્ષીના હૃદયમાંથી ભય પૂર્ણપણે ગયો ન હતો. જેમ જેમ તેણે નીતીનનો મધુકર દ્વારા થતો બચાવ સાંભળ્યો તેમ તેમ તેને પોતાને માટે તથા પોતાના મિત્રોને માટે ગમે એવા વિચારો આવવા લાગ્યા. એણે ઘર આગળ કોઈને કશી જ વાત કરી નહિ. આજની યુવતીઓ સિનેમા-નાટકમાં જાય ત્યાંથી જરા વહેલી મોડી આવે, અને યુવામિત્રો તેને ઘર સુધી વળાવી જાય, એમાં નૂતન ઢબનાં માતાપિતા બહુ વાંધો લેતાં નથી,