પૃષ્ઠ:Snehashristi.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપ અને હૃદય : ૧૨૫
 

અને કદાચ વાંધો લે તો પુત્રીઓ બહુ સાંભળતી પણ નથી ! નૂતન નારીમાં ઠીક આત્મવિશ્વાસ આવતો જાય છે- જોકે અત્યારે તો મીનાક્ષી જરા મૂંઝવાઈ ગઈ હતી. એના સતત હાસ્ય અને હાસ્યમય જીવનમાં એને તાંડવના ભણકાર સંભળાયા ખરા-આજ !

સહુને પોતપોતાને ઘેર મૂક્યા પછી જ્યોત્સ્નાની સાથે ઘર સુધી આવવાનો મધુકરે આગ્રહ પકડ્યો.

'મારે જરૂર બિલકુલ નથી... હું ચાલી જઈશ એકલી ઘેર.' જ્યોત્સ્નાએ કહ્યું.

'ના, ના. મારે બીજું કાંઈ કામ પણ નથી.... અને મીનાક્ષીનો પ્રસંગ બન્યા પછી હું તને એકલી ન જ જવા દઉ.' મધુકરે કહ્યું.

'ભલે, સાથે ચાલ. અને પાછો એ જ ટૅક્સીમાં વળી જજે. હજી તને વિશ્વાસ નથી કે સ્ત્રીઓ સ્વરક્ષણ કરી શકે એમ છે ?' જ્યોત્સ્નાએ કહ્યું. કાર ચાલવા માંડી અને ફરી મધુકર માગતો હતો એવું જ્યોત્સ્ના સાથેનું એકાંત તેને મળ્યું.

'રક્ષણનું કાર્ય પુરુષો કરતા જ આવ્યા છે; અને તે ચાલ્યા જ કરવાનું.' હસીને મધુકરે કહ્યું.

‘સ્ત્રીઓ પોતાને માત્ર રૂપાળી બનાવવાનો ભગીરથ પ્રયત્ન છોડી દે તો એમના રક્ષણનો પ્રશ્ન ઊભો જ ન થાય.' જ્યોત્સ્નાએ કહ્યું.

'જ્યોત્સ્ના ! જીવન એટલે જ સૌન્દર્યશોધ…... અને સૌન્દર્ય-ઉપભોગ... નહિ ?'

'શી સમજ પડે ? કોઈ વાર સૌન્દર્ય ગમે છે, કોઈ વાર સત્ય પણ ગમે છે, કોઈ વાર સ્વાતંત્ર્ય પણ ગમે છે.'

'જે વખતે જે ગમે એ લેઈ લેવું અને ભોગવવું...'

'કેમ બને એ ?... જોને, મીનાક્ષી તથા નીતીન એક વાર કેવાં ભેગાં ફરતાં હતાં! એ ઝઘડશે અને નીતીન એને ઊંચકી જવા મથશે એવી શંકા પણ કોઈને ઊપજે ખરી ?' જ્યોત્સ્ના બોલી.

‘એમાં દોષ મીનાક્ષીનો જ છે.'

‘કેવી રીતે ?'

'પ્રેમની - લગ્નની મીનાક્ષીએ નીતીનને આશા કેમ આપી ?'

'મીનાક્ષી એની બિલકુલ ના પાડે છે.'

'આટઆટલું સાથે ફરવું, હસવું, રમવું, સાથે ચિત્રો જોવાં, ભેટ લેવી, અને છતાં એને કહેવું કે એમાં આશા અપાઈ ન હતી. એ કેવું કહેવાય ?'