પૃષ્ઠ:Snehashristi.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬:સ્નેહસૃષ્ટિ
 

‘એટલે તમે પુરુષો એમ જ માનો છો કે સ્ત્રીઓ તમારી સાથે સહજ હસે, વાત કરે, સાથે ફરે એટલે તેમણે તમને પ્રેમ આપી દેવો જ જોઈએ ખરું?’ જરા ઉગ્રતાથી જ્યોત્સાએ કહ્યું.

‘એમ છેક નહિ. પણ.… સામાન્ય સમજવાળો પુરુષ જ્યાં પ્રેમ દેખાય એવાં સ્ત્રીઆચરણ નિહાળે. ત્યાં પ્રેમનો સાક્ષાત્કાર તો માગે જ ને?’

‘તારી ફિલસૂફી બહુ સ્પષ્ટ લાગે છે.’

‘હું તો બહુ જ સ્પષ્ટતાપૂર્વક આખા પ્રશ્નને સમજી ચૂક્યો છું.’

‘એ તારી ફિલસૂફીમાંથી તો આખો સ્ત્રીવર્ગ ગણિકાવર્ગમાં ફેરવાઈ જશે.’

‘તે તું એમ માને છે કે સ્ત્રીઓમાં સામાન્યતઃ એ વૃત્તિ હોતી નથી ?’

‘હું નથી માનતી કે સ્ત્રીઓનો મોટો ભાગ કિંમત લઈને જાત વેચવા તૈયાર હોય !’

‘પેલો આગળ બેઠેલો શૉફર આપણી વાત સાંભળશે... કિંમત કિંમતના સ્વરૂપમાં ભલે ફેર હોય... પણ તને આવી સ્પષ્ટ વાત કરવાની ટેવ સુરેન્દ્રના પરિચયમાંથી પડી લાગે છે.’

‘એમ શા ઉપરથી ?’

‘પહેલાં તું કદી આટલું બધું બોલતી નહિ.’

‘હજી પણ બહુ બોલવું મને ગમતું નથી જ.’

‘છતાં તું કેટલું બોલી એ ધ્યાનમાં રાખ... અને... પહેલાં તો... આપણે મિત્રોમાં પ્રેમની કે લગ્નની આછી - સૂચક વાત થતી તોયે તું કાંઈ સમજતી નહિ... હવે તું ન બોલાય એવી વાત કર્યો જાય છે.’

‘દુનિયામાં જે બનતું હોય એની વાત ન કરવી એ દંભ છે. ઢોંગ છે...’

‘તને આ બધું સુરેન્દ્ર શીખવ્યું ખરું ?... તે તને અભ્યાસમાં રોકે છે કે આવી અધકચરી અસભ્ય વાતોમાં ? મીનાક્ષી તેમ જ નીતીનનું દૃષ્ટાંત તું ધ્યાનમાં રાખજે.’

‘એટલે ? મને ન સમજાયું.’

‘સુરેન્દ્ર દેખાય છે એટલો ચોખ્ખો નથી.’

‘એમ ? સાચું કહે છે તું?’ વાતનો ઝોક ફેરવી જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મને મારા એક મિત્ર વિરુદ્ધ કાંઈ પણ કહેવાનો ત્યારે જ અધિકાર મળે કે જ્યારે હું સત્ય હકીકત જાણતો જ હોઉં.’

‘પરંતુ એ તું મને કેમ કહેવા માગે છે ?’

‘કારણ મને તારામાં ઘણો જ રસ છે... સ્વાર્થ છે. લાગણી છે...’