પૃષ્ઠ:Snehashristi.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમના વ્યૂહ: ૧૨૯
 

પ્રેમ, સ્નેહ અને લગ્ન, એ બંધન તો ન જ બની રહેવાં જોઈએ ! વ્યવહાર, વ્યવહારુપણું, સમતુલા હાલી જાય એવી ભાવના માનવીને કેટલો ઘેલો બનાવી મૂકે છે ! જીવન એક સંગ્રામ છે. ભાવનાનું, કલ્પનાનું, ઉડ્ડયન માત્ર નથી. માત્ર ખાલી આકાશમાં ઊડ્યા કરવું એનો અર્થ એ કે આપણે ખોવાઈ જવું ! અને ખોવાઈ જનારની જગતને બહુ જરૂર હોય એમ દેખાતું નથી. જીવન એ જો સંગ્રામ હોય તો એમાં જીત જ મળવી જોઈ. હારનારને જીવન બંદીવાન બનાવી મૂકે છે. જીવનમાં એકલવાયા માનવીએ એવી વ્યૂહરચના કરવી જોઈ કે જેમાં એ જીવે ત્યાં સુધી સતત વિજય મેળવતો જ ચાલે. અને મધુકર જીવનમાં વિજય ઝંખતો હતો.

વિજયપ્રાપ્તિનું મોટામાં મોટું સાધન ધન. એ તેની પાસે હતું જ નહિ. મહામુસીબતે ગરીબ માતાપિતાના પુત્ર તરીકે તેણે ભણતર તો મેળવ્યું હતું, પરંતુ એકલું ભણતર પણ ભાગ્યે જ વિજય અપાવી શકે. એને ઘણીયે ઇચ્છા હતી કે એ વિલાયત-અમેરિકા જાય, સોંઘી ડિગ્રી લઈ આવે. કોઈ સરસ અમલદાર બની જાય અને જીવનભર સ્વસ્થ, આરામભર્યું અને પ્રેમોત્તેજક જીવન ગાળી શકે. એવું જીવન એ જ વિજયી જીવન. પરંતુ એને માટે એ શક્ય બન્યું નહિ. સામાન્ય સ્થિતિનાં મા-બાપને ઘેર જન્મ લેવાની ભાગ્યે જ કોઈ મૂર્ખ ઇચ્છા કરે. છતાં કુદરતે એને મૂર્ખ બનાવ્યો જ હતો. એમાંથી વિજય મેળવતો મેળવતો એક સફળ સેનાપતિ તરીકે તે જીવન- સંગ્રામ જીતતો જતો હતો.

તેણે ભણતર પ્રાપ્ત કર્યું, લખવાની. બોલવાની વાતચીતની સરસ લઢણ પણ તેણે હાથ કરી. માગે તે ક્ષણે એ કોઈ સુંદરીને લગ્નમાં પત્ની તરીકે મેળવી શકે એમ હતું. અંતે એક ઉદાર, ભલા, ધનિક અને અનુકુળ આગેવાનના કુટુંબમાં તેને સ્થાન મળ્યું હતું. જીવનસંગ્રામમાં તેને એક સરસ મોરચો મળી ગયો. એ મોરચો હજી પણ વધારે સરસ બની શકે એમ હતું - જો એ ધનિક કુટુંબની એકની એક પુત્રી જ્યોત્સ્ના તેના ધન-મિલકત સાથે તેની પત્ની બની રહે તો ! સંસાર - સંબંધ - શ્રેણી પણ જીવનસંગ્રામનો એક મહત્ત્વનો ભાગ છે. શ્રીલતા જરૂર દેખાવડી હતી. અને સાથે સાથે જ્યોત્સ્ના પણ એના કરતાં ઓછી દેખાવડી ન હતી. આમે માત્ર રૂપની દૃષ્ટિને તો લગભગ મોટા ભાગની યુવતીઓ રુચે જ. એટલે એમાં બહુ પસંદગીનો પ્રશ્ન રહેતો નથી. શ્રીલતા જેમ ભણેલી અને સંસ્કારી હતી તેમ જ્યોત્સ્ના પણ ભણેલી અને સંસ્કારી હતી જ. શ્રીલતા વધારે ચબરાક ખરી, વધારે છૂટથી હરીફરી શકે એવી ખરી, જ્યોત્સ્ના ઓછાબોલી સંકોચભરેલી અને વાતચીતની પટાબાજીમાં ભાગ્યે જ ઊતરે એવા