બન્યો ! કોનો ? જ્યોત્સ્નાનો !...
સુરેન્દ્ર ત્યારે ધાર્યા જેટલો એકમાર્ગી ન જ કહેવાય. એને બોચિયું ગણી બાજુએ ફેંકી રાખવાની ભૂલમાં મધુકર સરખો મહારથી પણ ગોથું ખાઈ જાય એ સંભવિત ગણાય. દેખાય છે એવો સુરેન્દ્ર એકમાર્ગી હોત તો એણે પોતાની બાજી આવી કુશળતાથી ગોઠવી જ્યોત્સ્ના ઉપર છાપ પાડવાની સતત મળતી તક આમ ઝડપી લીધી ન હોત. યુવતીઓ ઉપર...કે જગત ઉપર... છાપ પાડવા માટે એકલી છટા જ જોઈએ છે એમ નથી. છટા તો જોઈએ જ, છતાં કેટલાંક માનસ એવાં પણ હોઈ શકે છે કે જેના ઉપર છાપ પાડવા માટે ભાવના, સેવા, ભેખ જેવા મુદ્રાલેખ કપાળે લગાડી ફરવું જોઈએ. સુરેન્દ્ર એ સ્વાંગ ભજવવા માંડ્યો અને ઘણી વાર બને છે તેમ એ સ્વાંગ પણ ઘણાની સહાનુભૂતિ જીતી જાય છે. સુરેન્દ્રના એ સ્વાંગ માટે મધુકરે આજ સુધી ખાસ કાંઈ વાંધો ઉઠાવ્યો ન હતો. પરંતુ હવે જ્યારે એ સ્વાંગ હથિયાર બની એની સામે ઊભો રહ્યો હોય ત્યારે એનો પ્રતીકાર કરવો એ જ સાચા લડવૈયાનો ધર્મ બની રહે છે. સુરેન્દ્ર જ્યોત્સ્નાને સેવાના સ્વાંગથી જીતી જાય એ બહુ સોંઘો વિજય ગણાય. અને એમાં મધુકર ભારે પરાજય માને એમાં પણ નવાઈ નહિ. જ્યોત્સ્ના અને તેની મિલકતમાં મધુકરે વિશ્વવિજય નિહાળ્યો. એના વિજયની વચમાં ઊભેલા સુરેન્દ્રને બને એટલી ત્વરાથી દૂર કરવો એ જ હવે એનું ધ્યેય હોઈ શકે !
કમનસીબી એ હતી કે હજી જ્યોત્સા સુરેન્દ્રની મહત્તાને માન આપતી જતી હતી. જ્યોત્સ્નાને મધુકર સાથે ફરવાહરવાની છૂટ હતી. એ છૂટમાં માતાપિતાની સંમતિ હતી; એ છૂટમાં માતાપિતાની સંમતિનો અર્થ સમજી શકાય એવો હતો. બગીચામાં સાથે ફરવું, સિનેમાનાં ચિત્રો સાથે નિહાળવાં, કારમાં એકલાં જવું, એ બધું ધીમે ધીમે શક્ય બનતું જતું હતું. પરંતુ... તે છતાં હજી સુરેન્દ્રનો બચાવ કરવા જ્યોત્સ્ના પ્રવૃત્ત થતી હતી એ આંખ ઉઘાડનારું સત્ય મધુકરથી ભુલાય એમ ન હતું. એ સત્યને મિટાવવા માટે એક જ ઈલાજ : જ્યોત્સ્ના અને સુરેન્દ્ર પરસ્પરથી દૂર થવાં જ જોઈએ.
એક રસ્તો એને મળ્યો જ હતો. સુરેન્દ્રના શિક્ષણમાં જ્યોત્સ્ના અણગમતાં સ્થળોએ જતી હતી અને અણગમતા માણસોના સંસર્ગમાં આવતી હતી, એ વાત તો એનાં માતાપિતાના મન ઉપર મધુકર ઠસાવી હતી. પરંતુ જ્યોત્સ્ના માતાપિતાની માનીતી દીકરી હતી. સહજ અણગમો બતાવ્યા ઉપરાંત માતાપિતાએ બીજું કાંઈ જ વધારે કર્યું નહિ. છતાં એ માર્ગે સુરેન્દ્ર પ્રત્યેનો માતાપિતાનો વિરોધ વધારી શકાય એમ હતું.