પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬:સ્નેહસૃષ્ટિ
 


‘લગ્ન થતાં સુધીની. નહિ ?’ શ્રીલતાએ કહ્યું અને સહુ હસ્યાં. હસવાથી ન અટકતી મશ્કરી લંબાવવા મધુકરે કહ્યું :

‘ભલે સુરેન્દ્ર ! તું ચા ન પીતો કે મીઠાઈ ન ખાતો… પરંતુ લે. આટલી સિગરેટ આજે ચાખી જો !… તારાં બધાંય પાપ બળીને એમાં ભસ્મ થઈ જશે.’ મધુકરે વાતને મજબૂતી આપવા સિગરેટ સળગાવી સુરેન્દ્ર સામે ધરી. સુરેન્દ્રે બે હાથ જોડી મધુકરને નમસ્કાર કર્યા, અને અત્યંત નમ્રતાથી કહ્યું :

‘મધુકર ! તમે સહુ જાણો છો, હું આવી આનંદી મંડળી માટે તદ્દન અપાત્ર છું… છતાં મને આવવું ગમે છે. શું ખાવું અને શું પીવું એ વાતને જ બાજુએ મૂકીએ.’

‘એ તારો ઘમંડ છે, સુરેન્દ્ર ! તું એકલો જ નીતિમાન છે, નહિ ?’ મધુકરે જરા કરડાકીમાં કહ્યું.

નિતિનની આમાં વાત જ નથી, મધુકર ! એ તો ટેવનો પ્રશ્ન છે.’ સુરેન્દ્રે કહ્યું.

‘આજથી ટેવ પાડવા માંડ.’ મધુકરે વાત લંબાવી.

‘મારાથી આવી ખર્ચાળ ટેવ ન પડાય… લો, હું ફળ ખાઉં છું.’ કહી સુરેન્દ્રે લીલી દ્રાક્ષનો એક મણકો મુખમાં મૂક્યો. મધુકરે સુરેન્દ્ર સામે તાકીને કહ્યું :

‘જોજે સુરેન્દ્ર ! તારા આ નીતિઘમંડને એક દિવસ હું ઉઘાડો પાડીશ… સિગરેટ પીતી, શરબતના પ્યાલા-શીશી સાથે રમતી, હોટેલના કોચ ઉપર ગબડવાની તૈયારી કરતી તારી છબી આખા ભારતનાં પત્રોમાં પ્રગટ ન કરાવું તો !’

સહુએ ધાર્યું કે આ ધમકી હાસ્યનો જ વિભાગ છે. સહુ હસ્યાં. સુરેન્દ્રે નમ્રતાપૂર્વક કહ્યું :

‘મધુકર ! હું સહુની માફી માગી લઉં… જો કોઈને મારા વર્તનમાં ઘમંડ લાગતો હોય તો.’

બધાંએ હસતાં રમતાં વેરાવાની તૈયારી કરી. પોતપોતાની સાઈકલો સહુએ ખોળવા માંડી. જેને જેને સાઇકલો ન હતી તેને અંગત મિત્રોએ સાઈકલ ઉપર લઈ જવાની તૈયારી પણ બતાવી. કૉલેજ સુધી પોલીસના કાયદા પહોંચતા નથી. અંધારું સહજ ઊતરી આવતું હતું. જ્યોત્સ્ના પોતાની કાર તરફ જતી હતી, સુરેન્દ્રની પાસે સાઈકલ ન હતી. જ્યોત્સ્નાએ હળવી બૂમ પાડી :