પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨:સ્નેહસૃષ્ટિ
 

એકાએક તેને બીજો માર્ગ મળી ગયો. સૂતે સૂતે વિચાર કરતો મધુકર નવા માર્ગનો પ્રકાશ પડતાં એકદમ જાગૃત બની બેઠો થઈ ગયો. પયગંબરોને ઈશ્વરી સંદેશા પણ આ જ રીતે મળતા હશે ! શોધકોને સત્ય પણ આમ જ પ્રાપ્ત થતાં હશે ! મધુકરને ખરેખર આનંદ થયો. એને નવો માર્ગ મળ્યો. એ અજમાવવાની વહેલામાં વહેલી તક મધુકરે ઝડપી લેવી જ જોઈએ. એથી સુરેન્દ્ર અને જ્યોત્સ્ના વચ્ચેનો સંબંધ એકાએક અટકી જ જવાનો !

અને છતાં જ્યોત્સ્નાની જીદ ચાલુ રહે તો?

એ પ્રશ્ન ઊભો થાય ત્યારે એનો ઇલાજ કરવાનો. હમણાં તો પ્રથમ પગલું - એક જ પગલું બસ થઈ જાય ! બંનેને જુદાં પાડવા માટે સફળ પ્રયાસ કરતાં બંનેની પરસ્પર જાગતી સહાનુભૂતિ માટે તક જ ઉત્પન્ન થતી અટકી જાય... અને ઘણા પ્રેમ, ઘણા સ્નેહ, ઘણાં વહાલ પરસ્પરથી દૂર થતાં ઘસાઈ ભૂંસાઈ જાય છે, એ સત્ય મધુકર સરખા વિજયનાદે ચઢેલા યુવાનને ખબર ન હોય એમ તો બને જ નહિ ! જ્યોત્સ્ના અને સુરેન્દ્ર પરસ્પરથી છૂટાં પડશે તો સ્વાભાવિક રીતે બંને એકબીજાને ભૂલતાં જશે. કદાચ સુરેન્દ્ર નહિ ભૂલે તો તેની હરકત નહિ, એની સેવાભાવનાના ઢોંગને બરાબર જવાબ મળી શકશે. અને જ્યોત્સ્નાની સાથે વધારે સમય મધુકર ગાળતો રહેશે તો જ્યોત્સ્નાના હૃદયમાંથી સુરેન્દ્રની જડને ઉખાડી નાખી શકાશે. એ શક્તિ મધુકરમાં હતી જ.

પયગમ્બરોને ઈશ્વરી સંદેશ મળે એની ખુશાલીમાં આવેલી ઝબકતી જાગૃતિ પછી તેમને સત્ય જડ્યાના આનંદમાં સાચી નિદ્રા પણ આવી જતી હશે. મધુકરને સારી નિદ્રા આવી, અને બીજે દિવસે તેને શુકન પણ સારાં થયાં. રાવબહાદુરને બંગલે પહોંચતાં જ તેને જ્યોત્સ્ના પાસે ઝડપથી જવાનું આમંત્રણ મળ્યું. જ્યોત્સ્નાએ મધુકરને આ ઢબે પહેલી જ વાર બોલાવ્યો હતો, તેને લાગ્યું કે તેની યોજનામાં સફળતાની કડીઓ સંધાવા લાગી છે.

જ્યોત્સ્ના પાસે તે ઝડપથી ગયો.

‘હું તારી જ રાહ જોઈ રહી છું, મધુકર !’ મધુકરને જોતાં બરાબર જ્યોત્સ્નાએ કહ્યું.

‘મારું એવું શું કામ પડ્યું છે ?’ મધુકરે પૂછ્યું.

‘કેમ, મેં તને કહ્યું હતું ને કે આપણે એક સરસ નાટક ગોઠવવાનું છે? એમાં મારે તારી મદદ જોઈએ.’