પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમની સ્પષ્ટતા: ૧૩૫
 

વાદ ગમી ગયો !’

‘તે રશિયામાં એમ જ ચાલતું હશે શું ?’ યશોદાબહેન ધીમે ધીમે વિદ્વતા તરફ વળતાં જતાં હતાં. મધુકરે રશિયા વિશે કેટલીક હકીકત તેમને કહી હતી.

'રશિયામાં તો કોઈને જવા દેતા નથી, ને રશિયા બહાર કોઈને આવવા દેતા નથી ! પણ આ હડતાલો પડે છે, તોફાનો થાય છે, સરઘસો ફરે છે, પથરો ફેંકાય છે, ધાડો પડે છે, તિજોરીઓ લૂંટાય છે એ બધું સામ્યવાદના પ્રતાપે જ થાય છે.’ રાવબહાદુરે સામ્યવાદ વિશે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.

‘આ હડતાલો પડાવવી, તોફાનો કરાવવાં, સરઘસો કાઢવાં, એ તો ગાંધીવાદીઓ પણ કરે છે, નહિ ?’

‘આ તમારો મધુકર આવ્યો. એ ઘણું ઘણું વાંચી જાણી લાવે છે. એને પૂછો.’ રાવબહાદુરે કહ્યું અને મધુકરે રાવબહાદુરના ખંડમાં પ્રવેશ કર્યો. હમણાંનો મધુકર ઘણો જ માનીતો બની ગયો હતો. સવારમાં આવી છેક રાત્રે એ ઘેર જતો. બન્ને વાર જમતો પણ રાવબહાદુર સાથે. એને લેવા તથા મૂકવા રાવબહાદુરની કાર તેને ઘેર જતી... અને ઘર કરતાં રાવબહાદુરનું સ્થાન વધારે સુખસગવડવાળું હોવાથી વધારે સમય રાવબહાદુરને ત્યાં ગાળવામાં મધુકરને હરકત ન હતી. મધુકરને આખોય દિવસ અહીં જ રહેવાનું હોવાથી બંગલાનો એક સુંદર ખંડ પણ ઈલાયદો કાઢી આપવામાં આવ્યો હતો. ઝડપથી એ ઘરનો માણસ બની જતો હતો.

‘મને શું પૂછવાનું છે. યશોદાબહેન ?’ મધુકરે પૂછ્યું.

‘આ હમણાંની સામ્યવાદની બહુ વાતો હું વર્તમાનપત્રોમાં વાંચું છું, અને સાંભળું છું. એ શો વાદ હશે એ હું એમને પૂછતી હતી.’ યશોદાએ કહ્યું.

‘હા જી. રાવબહાદુરને હમણાં કોઈ વ્યાખ્યાનમાં એની જરૂર પડી હતી. મેં ગ્રન્થો કાઢી ભાષણ પણ તૈયાર કરાવ્યું હતું.’ મધુકરે કહ્યું.

‘હુંયે તેથી જ પૂછું છું... એ તો કહે છે કે એ ધાડપાડુઓનું મંડળ છે.’

‘છેક એમ નહિ... પણ હા, રાજકીય ધાડ પાડવામાં સામ્યવાદને હરકત નહિ.’

‘બાપ રે ! એવા લોકો શું ન કરે ?’

‘ફેરફાર, ઊથલપાથલ, ક્રાંતિ, બળવો, વિપ્લવ એ એમના સિદ્ધાંતો. શક્તિ હોય ત્યાં સુધી ખુલ્લી ક્રાંતિ અને ન હોય ત્યાં છૂપી કાંતિ !’