પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમની સ્પષ્ટતા:૧૩૯
 

એમ માનવા જ્યોત્સ્ના પ્રેરાય નહિ એટલી સાવચેતી એણે રાખી ખરી. ધીમે ધીમે જ્યોત્સ્ના તેને વધારે પ્રમાણમાં બોલાવતી થઈ હતી એની પણ નોંધ મધુકરે મનમાં લખી રાખી.

રાવબહાદુર અને યશોદાબહેનને સામ્યવાદ વિષે થોડું જ્ઞાન આપી પોતાને કામે જતા મધુકરને એક નોકરે આવીને ખબર આપી કે જ્યોત્સ્ના તને યાદ કરતી હતી. મોટા માણસો બોલાવે ત્યારે તેઓ કાંતો યાદ કરે અગર સલામ કહાવે ! જ્યોત્સ્ના બોલાવે છતાં મધુકર ન જાય એવી શ્રેષ્ઠત્વભરી પ્રેમભૂમિકાએ પહોંચાય ત્યાં સુધી જ્યોત્સ્નાના બોલને આજ્ઞા માનવાનું ડહાપણ મધુકર વાપરતો હતો. મધુકર પણ તત્કાળ જ્યોત્સ્નાના ખંડમાં ગયો. ત્યાં શ્રીલતાને બેઠેલી જોઈ મધુકર પ્રથમ તો ચમક્યો, પરંતુ જોતજોતામાં સ્વસ્થ બની એણે પૂછ્યું :

‘કેમ જ્યોત્સ્ના ! મને કેમ બોલાવ્યો ?'

મધુકરે શ્રીલતા તરફ ન જોયું; અને શ્રીલતા તો મધુકરની સામેથી મુખ ફેરવીને બેઠી જ હતી - તેના આવતા બરોબર.

‘આપણું નાટ્યસંમેલન સફળ થાય એમ લાગતું નથી. મધુકર !' જ્યોત્સ્નાએ જવાબમાં કહ્યું,

'તને તો ભારે આશા હતી. શો વાંધો પડ્યો ?' મધુકરે કહ્યું.

'બધા જ વાંધા. શકુન્તલા બનવાની ગૌરીએ હા પાડી, પરંતુ શિશિરને દુષ્યંત બનાવવા માંડ્યો ત્યારે ગૌરીએ ચોખ્ખી ના પાડી. જયા બનવાને નયના તૈયાર થઈ, ત્યારે વિહારી કહે છે કે નયના જયા બનવાની હોય તો એ જયંત નહિ બને... આમ ચાલ્યા જ કરે છે.' જ્યોત્સ્નાએ કહ્યું.

'બીજી ઘણી છોકરીઓ અને છોકરાઓ મળી શકે એમ છે.' મધુકરે કહ્યું.

‘તો તું જરા કામમાં જીવ રાખ ને, ભાઈ ! આ ગરબામાં પણ એનું એ જ તોફાન !'

'ગરબા તો આપણે નક્કી કરી નાખ્યા છે ને ?'

'હા. પણ કોણ ઉપાડે અને કોણ ઝીલે એનો મોટો ઝઘડો પડ્યો છે.'

‘પણ નંદાબહેનની સુરેશાએ પહેલો ગરબો ઉપાડવો એમ આપણે નક્કી કર્યું હતું.'

‘તે હવે સંધ્યાબહેન અને “પાર્ટી” એમાં જોડાવાની ના કહે છે.'

'સંધ્યાને પોતાને ગરબો ઉપાડવો હશે !...'

‘એટલું જ નહિ... પણ તે પહેલો જ એમનો ઉપાડેલો ગરબો જોઈએ; .