પૃષ્ઠ:Snehashristi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાગ અને પ્રેમ :૭
 

 ‘સુરેન્દ્ર !’

‘કેમ ?’ સુરેન્દ્રે ચાલવા માંડ્યું હતું. અટકી પાછા ફરી તેણે પૂછ્યું.

‘મારી સાથે કારમાં ચાલ ને, જરા…’

‘હું જઈ શકીશ. મને ચાલવું જ ફાવે છે…’

‘મારે કામ છે.’

‘મારું કામ ? શું ?’

‘તને હું કારમાં કહું છું… ચાલ.’ જ્યોત્સ્ના બોલી અને સુરેન્દ્રને લઈ કાર તરફ ચાલી. બંને બેઠાં અને કાર ઝડપથી અદૃશ્ય થઈ ગઈ.

મધુકરે એ જોયું અને એની આંખમાં એની સાઈકલના દીવા સરખો ઝગઝગાટ અંગાર પ્રગટ્યો.

મધુકરની ઇચ્છા હોય કે ન હોય તોપણ શ્રીલતા મધુકરની ‘બાઈક’ ઉપર બેસી મધુકર સાથે જ ગઈ. હિંદમાં સાઈકલો બબ્બે માનવીના ભાર કેટલાંય વર્ષોથી ઝીલે છે !

સાઈકલ ઉપર બેઠેલી શ્રીલતાએ મધુકરને પૂછ્યું :

‘કેમ નિશ્વાસ નાખે છે, મધુકર !’

‘કાંઈ નહિ.’

‘આજ મારી કાર તને ન મળી, એથી ?’

‘ના ના; એવું કાંઈ જ નથી.’

‘જો મધુકર ! મેં આજથી નિશ્ચય કર્યો છે. પિતાજીને તો ખોટ આવવાથી કાર વેચી દેવી પડી, પરંતુ હવે હું કે તું કાર લાવીએ નહિ ત્યાં સુધી કારમાં બેસવું જ નહિ.’ શ્રીલતાએ કહ્યું.

‘નહિ રે નહિ ! એવા નિશ્ચયોમાં પડીશ નહિ.’ મધુકરે કહ્યું. અને રસ્તાના પ્રકાશમાં બંને અદૃશ્ય થયાં.