ચાહતો હતો અને હવે તેને નથી ચાહતો એટલી જ વાત હું જાણું છું. એથી આગળની વાત તો મને ખબર નથી. તું કોને ચાહે છે ? ક્યી યુવતીને ? કહી દે મને. બને તો હું ઉપયોગી થઈ પડું.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘જેને હું ચાહું છું એનું નામ પણ જ્યોત્સ્ના જ છે; અને એ વાત જાણે છે એનું નામ... પણ જ્યોત્સ્ના જ છે... અને એ બંને એ તું જ જ્યોત્સ્ના ! તને જોયા પછી તને વધારે વધારે જોયા પછી હું આખા જગતને ભૂલી ગયો છું.’ મધુકરે પ્રેમીને પ્રેમ લાગે ને અપ્રેમી જોનારને અતિશય દેહ , લાલચુડામણું લાગે એવી ઢબે કહ્યું.
એક ક્ષણભર આખા ઓરડામાં વીજળી ચમકી હોય એમ મધુકરને લાગ્યું જ્યોત્સ્નાની આંખનું તેજ જાણે વીજળી બની ગયું ન હોય ? વીજળી પણ તોરણમાળા બની શકે, નહિ ? સ્વાગતને માટે સતત ધીમા, ઠંડા મેઘધનુષ્યની તોરણમાળા જ જોઈએ એમ કાંઈ કહી શકાય નહિ. વીજળી પણ તોરણમાળા જ નહિ, પરંતુ વરમાળા સુધ્ધાં બની રહે. જેટલો એનો ઝબકાર એટલો જ પ્રેમ સાચો !
જ્યોત્સ્નાની આંખચમક જરા ઠંડી પડી. વાતચીત દરમિયાન જ્યોત્સ્ના મસ્તક ઉપરની સાડી ખભા ઉપર આવીને વેરાઈ પડી હતી. વસ્ત્રભાન ભૂલવાની નવીન સ્ત્રીકલા સાડીનો છેડો ક્યાં સુધી ઊતરી જાય છે તેનું અભાન રાખવામાં સમાયેલી છે... કદાચ ખભેથી અર્ધવક્ષે પણ એ છેડો ઊતરી પડે ! એ છેડો હજી પણ નીચે ઊતરી પડે એવો સંભવ વિચારી રહેલા મધુકરે જોયું કે જ્યોત્સ્ના સાડીનો છેડો ઊંચકી માથે ઓઢી રહી છે. એ પણ સુંદર હાવભાવ ગણાય... કવિતાપ્રેરક. એમાં મર્યાદાશીલ હકાર પણ સમાયો હોય ! અને જ્યોત્સ્ના એની મર્યાદા માટે તો ખરેખર પ્રસિદ્ધ જ હતી ! અત્યારનું આખું વક્ષસૂચન એ જ્યોસ્નાઅની પહેલી જ અમર્યાદા કહી શકાય - મધુકરને ગમતી અમર્યાદા કદાચ મધુકર માટે જ રચાઈ હોય !
‘મધુકર ! તેં મને આ પહેલી વાર વાત કહી કે બીજી વાર ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘કોણ જાણે ! મને તો લાગ્યા કરે છે કે હું ક્ષણે ક્ષણે તને આ વાત કહી રહ્યો છું. હવે કહેવાનું તારે છે.’
‘મધુકર ! હું કહીશ… હવે પછી. તને મારા ઉપર પ્રેમ છે એ હું જોઈ શકી છું. હવે જવાબ જ આપવો બાકી છે ને ?… મારે ?’ જ્યોત્સ્નાએ કહ્યું
‘હકારને હોઠે ઊતરવા દે એટલે હું જાઉં.' મધુકરે કહ્યું.